રૂરલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રિમાન્ડ દરમિયાન રાજસ્થાનના બે ખુંખાર તસ્કરોને રાખવામાં આવ્યા હતા.ત્રણ દિવસ અગાઉ રૂરલ પોલીસે ટાન્સફોર્મર કોપર સાથે રૂ.2લાખ ઉપરાંતના મુદામાલ સાથે ગાજણ ટોલનાકા પાસેથી બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા ઉપરોક્ત તસ્કરોએ રાત્રિ દરમિયાન લોકઅપમાં આવેલા સંડાસની જાળી તોડી બંને રફૂચક્કર થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. લોકઅપમાંથી બંને આરોપીઓ રફૂચક્કર થઇ જતા પોલીસે જુદી જુદી પાંચ ટીમો બનાવી બંનેને ઝબ્બે કરવા માટે હવામાં હવાતીયા મારી રહી છે.
જેલના સંડાસની જાળીનો સળિયો તોડી આરોપી ફરાર
1.મોડાસા રૂરલ પોલીસ ત્રણ દિવસ અગાઉ મોડાસા-શામળાજી હાઇવે પર આવેલા ગાજણ ટોલનાકા પાસે નંબર વગરના પીકઅપ ડાલાને અટકાવી તલાશી લેતા પોલીસને ડાલામાંથી ટ્રાન્સફોમર કોપરની 14નંગ કોયલો અને અન્ય સાધન સામગ્ર મળી પોલીસને 2,22,040રૂ. નો ચોરીનો મુદામાલ સાથે રાજસ્થાનના રાજુ હીરાભાઇ કાલબેલીયા ઉ.વ.24 રહે.મડીકપુરા, તા.વલ્લભનગર જિ.ઉદેપુર, મુકેશ મણીલાલ જોગી ઉ.વ.20 રહે.કપાસણ,જિ.ચિત્તોડગઢ રાજસ્થાનવાળાને પકડી બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા.25માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે બંને આરોપીઓને લોકઅપમાં રાખ્યા હતા.જ્યારે રાત્રિના 2-30થી 8 કલાકના સમયગાળા દરમિયાન બંને ખુંખાર તસ્કરો રૂરલ પોલીસસ્ટેશનના લોકઅપમાં આવેલા સંડાસની જાળીનો સળિયો તોડીન બંને ફરાર થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
હજુ અન્ય બે ભાગી છૂટેલા ઝડપી પાડવાના બાકી હતા ત્યાં તો ઝડપાયેલા જ ભાગી ગયા
2.મોડાસા રૂરલ પોલીસે ગાજણ પાસે ચોરીના મુદામાલ સાથે રાજસ્થાન ના ઉપરોક્ત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા ત્યારે પીક અપ ડાલામાંથી પોલીસની આંખમાં ધૂળ નાખીને રમેશ લાભુભાઇ મીણા રહે.માન્ડવીયા હનુમાન મંદિર ડુંગરપુર અને મીઠુભાઇ ભુરાલાલ જોગી રહે.કપાસણ,જિ.ચિત્તોડગઢ બંને શખ્સો ભાગી છુટવામાં કામયાબ નીવડ્યા હતા. હજુ આ કેસમાં બે શખ્સોને ઝડપી પાડવાના બાકી હતા ત્યાં તો ઝડપાયેલા બંને આરોપીઓ ભાગી છુટતાં પોલીસના નાકેદમ આવી ગયો છે.