શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં ટ્રાયલ રૂમ પાસે મોલ કર્મચારી બોક્સ પર ઉપર ચડી અંદર જોવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બાદ અમદાવાદ પોલીસે મોલ/શોપના સંચાલકોને કામ કરતી મહિલાઓ અને મુલાકાતે આવતી મહિલાઓની સુરક્ષાને લઈ સૂચનાઓ આપી છે. હવે મોલ અને શોપમાં મહિલા ટ્રાયલ રૂમ અને વોશ રૂમ પાસે કોઈ પુરુષ ન પહોચી શકે તે માટે મહિલા ગાર્ડ રાખવી પડશે.
તદ્દઉપરાંત મહિલાઓના ટ્રાયલ રૂમ અને વોશ રૂમમાં ઉપરથી અને નીચેથી અંદર ન જોઈ શકે તે માટે ચારે તરફથી બંધ હોય તે રીતે બનાવવા જણાવ્યું છે. મોલ/શોપમાં આવતી મહિલાઓના સુરક્ષાની જવાબદારી જે તે સંચાલકની છે. જો આવી ઘટના બનશે તો મોલ સંચાલકનું લાયસન્સ રદ કરી રૂ. 5000ના દંડ સાથે મદદગારીના આરોપી પણ બનાવાશે.