Face Of Nation 22-04-2022 : રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવીને એને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. શિવાલયમાં ચંપલ પહેરીને જવાથી અને મૂર્તિઓ પર કટર મશીન ફેરવવાથી હિન્દુવાદી સંગઠનો ગુસ્સે થઈ ગયાં છે. આ કાર્યવાહીના વિરોધમાં નગરપાલિકાના EO, SDM અને રાજગઢ ધારાસભ્યના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી આપવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ કેસ દાખલ કરવામા આવ્યો નથી.
અંદરોઅંદર વોટબેન્કની રાજનીતિ
BJP નેશનલ આઈટીસેલના ચીફ અમિત માલવીયાએ કહ્યું હતું કે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી એ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે. માલવીયએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું મંદિર તોડવામાં આવ્યું છે. કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવા અને લોકોને આસ્થાને ઠેસ પહોંચાડવી- આ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે. ત્યાર પછી વધુ એક ટ્વીટમાં માલવીયએ કહ્યું હતું કે,18મી એપ્રિલે રાજસ્થાનના રાજગઢમાં કોઈપણ નોટિસ આપ્યા વગર પ્રશાસને 85 હિન્દુઓનાં પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવી દીધું હતું.
કોંગ્રેસની માસ્ટર પ્લાનની વાત
પ્રશાસનનું કહેવું છે કે માસ્ટર પ્લાન પ્રમાણે, રાજગઢમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. અહીં હકીકતમાં 60 ફૂટનો પહોળો રસ્તો હતો, પરંતુ ગેરકાયદે બાંધકામને કારણે એ 25 ફૂટનો પણ નહોતો રહ્યો. આ કારણે જેસીબીથી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જૌહરી લાલ મીણાએ કહ્યું હતું કે, અહીંની નગરપાલિકામાં ભાજપનું બોર્ડ છે, તેથી તેઓ વધારે કઈ કહી શકે એમ નથી. બીજી બાજુ, નગરપાલિકા બોર્ડના અધ્યક્ષનું કહેવું છે કે આ કાર્યવાહી પ્રશાસન સ્તરે કરવામાં આવી છે. જ્યારે પ્રશાસનનું કહેવું છે કે નગરપાલિકાએ આ પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યાર પછી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. હકીકતમાં 2012ના માસ્ટર પ્લાનમાં આ 60 ફૂટનો રસ્તો છે. આ માસ્ટર પ્લાનની વાત કરીને અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.
ભાજપ સાંસદે કહ્યું- ભૂલ થઈ ગઈ
રાજ્યસભા સાંસદ અને ભાજપના મોટા નેતા કિરોડીલાલ મીણાએ આ કાર્યવાહી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભાજપના બોર્ડને કારણે આ ભૂલ થઈ છે. આને તોડવાનું નહોતું. બીજી બાજુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું હતું કે 300 વર્ષ જૂનું મંદિર અતિક્રમણ કેવી રીતે હોઈ શકે. ભાજપે તેમની એક ટીમ ઘટનાસ્થળે મોકલી છે, જે 3 દિવસમાં એનો રિપોર્ટ આપશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે વિકાસના નામે ભગવાનના મંદિર પર પ્રહાર કરવા ખૂબ દુઃખદ છે. તેમણે આ વિશે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે તમે લાગણીઓની સાથે વોટ બેન્કની રાજનીતિને આગળ વધારી રહ્યા છો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).