૩૦ માર્ચના રોજ વિજયમુહૂર્તમાં ગાંધીનગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના ઉમેદવાર અમિત શાહ તેમનું ઉમેદવારીપત્ર ભરશે. તે પૂર્વે અમદાવાદથી ગાંધીનગર સુધીના ૩૦ કિલોમીટરના રોડ ઉપર વિશાળ રોડ શો યોજાશે, જેની પક્ષ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે રીતે તૈયારીઓ શરૂ થઈ છે તે જોતાં ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરબવાના મૂડમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
ગાંધીનગર લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન નિમિત્તે ગઈ કાલે જાહેર સભા સાથે પ્રચારના શ્રીગણેશ કરાયા છે. ગાંધીનગરના સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા બેઠક પર પહેલી જાહેર સભા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં થઈ હતી. અમિત શાહ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે ઉમેદવારીપત્ર ભરવા જશે. આ પહેલાં તેમના અમદાવાદના નિવાસસ્થાનેથી રોડ શોની શરૂઆત કરાશે. આ રોડ શોમાં એક મોટી બાઈક રેલી નીકળશે, જેમાં મહિલા મોરચાની બહેનો, ભાજપ યુવા મોરચો અને ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાશે. રોડ શોમાં ઓછામાં ઓછા લાખ લોકો જોડાય તેવી શક્યતા છે. રોડ શો બાદ વિજયમુહૂર્ત ૧૨.૩૯ વાગ્યે અમિત શાહ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે ઉમેદવારીપત્ર ભરશે. ગાંધીનગર લોકસભા બેઠકમાં અમદાવાદના પાંચ સાબરમતી, નારણપુરા, વેજલપુર, ઘાટલોડિયા, સાણંદ અને ગાંધીનગરના બે ઉત્તર અને કલોલ મળીને કુલ સાત વિધાનસભા મતવિસ્તાર સમાવિષ્ટ છે.
અમદાવાદ ભાજપની ટીમ અત્યારે પુરજોશમાં તૈયારીઓમાં લાગી છે. પ્રદેશ મોવડીથી લઈને આગેવાનો સુધી દરેકને જુદી જુદી જવાબદારી સોંપી દેવામાં આવી છે. કોબા કમલમ્ ખાતે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. રોડ શો માટેના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ હજુ પણ આ બેઠક માટેના ઉમેદવાર માટે સ્પષ્ટ નથી ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. સાત વિધાનસભા વિસ્તારમાં કુલ ૧૦.૨૦ લાખ મતદારો છે, જે આ બેઠકનું ભાવિ નક્કી કરશે.