Home Uncategorized ‘ન્યાય’ યોજના અનેક તબક્કામાં લાગુ પડશે, દર મહિને ૬,૦૦૦ મળશેઃ ચિદમ્બરમ્

‘ન્યાય’ યોજના અનેક તબક્કામાં લાગુ પડશે, દર મહિને ૬,૦૦૦ મળશેઃ ચિદમ્બરમ્

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશના અતિ ગરીબ લોકો માટે મિનિમમ ઇન્કમ ગેરંટી સુનિશ્ચિત કરતી યોજના ‘ન્યાય’ અંગે ચેન્નઇ ખાતે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે ભારત પાસે આ યોજનાનો અમલ કરવાની ક્ષમતા છે. તેમણે જણાવ્યું હતું કે નિષ્ણાતોની એક પેનલ આ માટે સમગ્ર રૂપરેખા તૈયાર કરશે. મીડિયા સાથેની વાતચીતમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે આ યોજનાનેે લઇને અમે અર્થશાસ્ત્રીઓની પણ સલાહ લીધી છે. તેમણે આ યોજનાના અમલ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ યોજના કેટલાય તબક્કાવાર લાગુ પાડવામાં આવશે.

પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે અમે દેશની ર૦ ટકા ગરીબ જનતાને આ યોજના હેઠળ ફાયદો પહોંચાડીશું. આમ આ યોજના દેશના રપ કરોડ લોકોને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની યોજના ૩૦-૪૦ વર્ષ પહેલાં લાગુ કરવી શકય નહોતી. કોંગ્રેસની સરકારે ૧૯૯૧માં મહત્ત્વાકાંક્ષી આર્થિક ઉદારીકરણની યોજના અમલમાં મૂકયા બાદ આજે આપણે એ સ્થિતિમાં આવી ગયા છીએ કે જેના કારણે આ યોજનાનો અમલ કરવો શકય બન્યો છે. પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે અમે આ યોજના અંગે તમામ સ્તરે મનોમંથન કર્યા બાદ તેની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારને પ્રતિ માસ રૂ.૬,૦૦૦ના હિસાબે વાર્ષિક રૂ.૭ર,૦૦૦ની સહાય કરવામાં આવશે. ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનાની જાહેરાત કરતાં પહેલાં તેના આર્થિક પાસાંઓ અંગે દેશના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ સાથે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સઘન વિચાર વિમર્શને અંતે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે આ યોજનાનો અમલ કરવો શકય છે.