Face Of Nation 16-05-2022 : ઉનાળામાં પડી રહેલા આકરા તાપની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી ખૂબ તીવ્ર બની છે. પાણીની પરેશાનીને કારણે સરકાર દ્વારા ઘણા ડેમોમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે છતાં ઘણાં ગામડાં ધોમધખતાં તાપમાં તરસ્યાં છે, એવામાં ટેન્કર દ્વારા ત્યાં પાણી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ, રાજ્યના 17 મુખ્ય ડેમમાં હાલની સ્થિતિએ માત્ર 46 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું નહીં રહે તો આગામી વર્ષે પણ પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
છેવાડાના વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની દોડાદોડ
ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ જળસંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. ગુજરાતના 207 ડેમમાં અત્યારે 46 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કફોડી સ્થિતિ છે, ત્યાંના 15 ડેમમાં માંડ 13.69 ટકા જેટલું પાણી છે, જ્યારે કચ્છના 20 ડેમમાં 16.90 ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં હવે 32.59 ટકા પાણીનો સંગ્રહ બચ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આસપાસનાં ક્ષેત્રોમાં પીવાના પાણી માટે પોકાર ઊઠ્યો છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની દોડાદોડ થઈ રહી છે.
બનાસકાંઠામાં અત્યારે પાણીનો જીવંત જથ્થો 4.86%
અત્યારે રાજ્યના કચ્છ સહિતના છેવાડાનાં 50 જેટલાં ગામોમાં રોજનાં ટેન્કરોના 100 જેટલા ફેરા થઈ રહ્યા હોવાનું સૂત્રો કહે છે. પાણી અને ઘાસચારાની અછત વચ્ચે બનાસકાંઠામાં અબોલ પશુઓનાં મોત થઈ રહ્યાં હોવાની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આ સાથે પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવા માગણી થઈ છે. રાજ્યના નર્મદા અને કલ્પસર વિભાગના ડેટા પ્રમાણે બનાસકાંઠામાં અત્યારે પાણીનો જીવંત જથ્થો માંડ 4.86 ટકા છે, સાબરકાંઠામાં 3.79 ટકા, અરવલ્લીમાં 7.17 ટકા અને મહેસાણામાં 11.03 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે.
17 ડેમમાં 40.50 ટકા પાણીનો જથ્થો
કચ્છમાં 10.56 ટકા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 3.37 ટકા, બોટાદમાં 7.65 ટકા, જામનગરમાં 20.47 ટકા, જૂનાગઢમાં 24.12 ટકા, પોરબંદરમાં 20.84 ટકા, સુરેન્દ્રનગરમાં 19.53 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગુજરાતમાં અત્યારે ડેમોમાં પાણી મામલે સારી સ્થિતિ દક્ષિણ ગુજરાતની છે, જેના 13 ડેમમાં 54.25 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 52.06 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.50 ટકા પાણીનો જથ્થો છે.
ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ બંને મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પૂર્વાનુમાન પ્રમાણે, આ વર્ષે ભારતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ પહેલાં એટલે કે 27મી મેના રોજ આવી જશે. એનું સૌથી પહેલું આગમન કેરળમાં થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).