Home Gujarat વિનામૂલ્યે ટેસ્ટિંગ; રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે...

વિનામૂલ્યે ટેસ્ટિંગ; રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે 13 નવીન ‘ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલ’ને આપી લીલી ઝંડી!

Face Of Nation 04-04-2022 : રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે એ માટે 13 નવીન ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલને લીલી ઝંડી આપી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે એ માટે રાજ્યના દરેક જિલ્લામાં સેફ્ટી ઓન વ્હીલ કાર્યરત કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ખોરાકમાંથી કેમિકલ્સ, ઝેરી તેલ સહિતનું ટેસ્ટિંગ થઈ શકશે
આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનિયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન, યુરિયા જેવા કેમિકલ્સ શોધી શકાશે. ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્ય ચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે.
વિનામૂલ્યે પણ ટેસ્ટિંગ કરી આપવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું હતું, નાગરિકોને અશુદ્ધ અને ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે એ માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કરાવવામાં આવશે. નાગરિકો સામેથી ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો એનું વિનામૂલ્યે પણ ટેસ્ટિંગ કરી આપવામાં આવશે. જો નમૂનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.
તમામ મોબાઈલ વાનનો ખર્ચે કેન્દ્ર સરકાર પૂરો પાડશે
તેમણે ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને 2013માં બે ફૂડ સેફ્ટી વાન કાર્યરત કરાવવામાં આવી હતી. અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્યચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી શ્રેષ્ઠ કામગીરીને પરિણામે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને નવીન ૧૩ મોબાઈલ વાન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે, જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરાવીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંદર્ભે જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).