Face of Nation 25-07-2022 : દ્રૌપદી મુર્મુએ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
હું તમામ નાગરિકોને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું: મુર્મુ
દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણ બાદ પોતાનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું સમગ્ર ભારતના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતિક સમાન આ પવિત્ર સંસદ તરફથી તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. તમારી આત્મીયતા, તમારો વિશ્વાસ અને તમારો સાથ, મારા માટે આ નવી જવાબદારી પૂરી કરવામાં મોટી તાકાત હશે.
આ લોકશાહીની તાકાત છે જેણે મને આટલે સુધી પહોંચાડી- મુર્મુ
દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પદના શપથ લીધા બાદ કહ્યું કે, હું દેશની આવી પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે સ્વતંત્ર ભારતના નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે આપણે આપણા પ્રયત્નો વધારવા પડશે. દ્રૌપદી મુર્મુએ કહ્યું, મારો જન્મ ઓડિશામાં એક આદિવાસી ગામમાં થયો હતો. પરંતુ તે દેશની લોકશાહીની શક્તિ છે જેણે મને આટલે સુધી પહોંચાડી છે.
દ્રૌપદી મુર્મુએ કહ્યું- ‘એક સંયોગ છે’
દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, દેશે મને એવા મહત્વપૂર્ણ સમયગાળામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.
‘રાષ્ટ્રપતિ બનવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી’
મહામહિમ મુર્મુએ કહ્યું, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને પૂરા કરી શકે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કારગિલ દિવસ પર શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આવતીકાલે એટલે કે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ, ભારતની સેનાઓ માટે બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું કારગીલ વિજય માટે દેશની સેનાઓ અને દેશના તમામ નાગરિકોને અભિનંદન આપું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).