Face Of Nation, 20-08-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજેન્દ્ર ત્રિવેદીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ
રાજેન્દ્ર ત્રિવેદી હાલની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના સૌથી સિનિયર મોસ્ટ મંત્રી ગણાય છે. આમેય શપથવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ જ બીજા ક્રમે શપથ લીધા હતા. તેમાં પણ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સ્ટાઈલથી ત્રિવેદી પણ રાજ્યમાં ગમેતે સ્થળે સબ-રજિસ્ટ્રાર કચેરી અથવા તો મહેસુલ કચેરીઓમાં દરોડા પાડીને રજિસ્ટર ચેક કરતા હતા. આ દરેક વખતે ત્રિવેદી મીડિયાને સાથે રાખતા હતા. આ બાબતે બાબુઓની ફરિયાદો કામ કરી ગઈ કે પછી રાજેન્દ્ર ત્રિવેદીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ હોવાનું બીજું કોઈ કારણ છે તે તો હવે પછી જાણવા મળશે. પરંતુ આ બધામાં હર્ષ સંઘવીને લોટરી લાગી ગઈ તે નક્કી છે.
પૂર્ણેશ મોદીને ખાડા નડી ગયા કે કડક કામગીરી?
સુરતના પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવી લેવાયો તે જરાક સરપ્રાઈઝિંગ છે. પૂર્ણેશ મોદી પોતાની બોલ્ડ કામગીરી માટે જાણીતા હતા અને કડકપણે પોતાના નિર્ણયોનો અમલ કરાવતા હતા. જો કે, તાજેતરના ચોમાસા દરમિયાન રાજ્યમાં ઠેર-ઠેર પડી ગયેલા ખાડાઓમાં પણ સરકારની ખાસ્સી ટીકા થઈ હતી. હવે આ ખાડાના નામે મોદી સામે કોઈ બીજો સ્કોર સેટલ કરી દેવાયો હોય તેવું પણ બની શકે છે.
જગદીશ પંચાલ સહકાર-કુટિર ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો
અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમની સારી કામગીરીનો રિવોર્ડ મળ્યો અને કેબિનેટમાં પ્રમોશન મળ્યું તેવું પણ કહી શકાય. હર્ષ સંઘવી પાસે ભલે ગૃહ જેવું અગત્યનું મંત્રાલય હોય પરંતુ તે હતા તો રાજ્યકક્ષાના જ મંત્રી. હવે મહેસુલ જેવું મહત્ત્વનું મંત્રાલય તેમને મળ્યું એટલે સીધું કેબિનેટમાં પ્રમોશન મળ્યું એ પણ માની શકાય. જ્યારે જગદીશ પંચાલ સહકાર અને કુટિર ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હતા, જેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રિવોર્ડ અપાયાનું મનાય છે.
રાજ્ય સરકારમાં ફેરફારો વચ્ચે શાહ ગુજરાતમાં
અમિત શાહ જન્માષ્ટમી પર્વ પર ગુજરાતમાં છે. તેઓ 19મી ઓગસ્ટે પોતાના સંસદીય મતવિસ્તાર કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણજન્મોત્સવમાં પણ હાજર રહ્યા હતા. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટા ફેરફાર વચ્ચે તેઓની ગુજરાતમાં ઉપસ્થિતિ હતી.
હજુ પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરફારની શક્યતા
એક વર્ષ પણ નથી થયું ને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે મોટા ફેરફારો થઈ ગયા છે. તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી ફેરફારોની રાજકીય ચર્ચાઓ વચ્ચે આવનાર સમયમાં હજુ પણ મોટો ફેરફારો થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગની લેબ બની રહી છે. ત્યારે હજુ પણ ફેરફારો થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).