Face Of Nation 26-01-2024 : ભારતીય જનતા પાર્ટીએ એક નવા ઇતિહાસ તરફ મંડાણ શરૂ કર્યા છે. ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ જેટલી ડરપોક સરકાર આજદિન સુધી શાસને આવી નથી. અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની ભાજપ પણ ભારતની સત્તા સ્થાને રહી ચુકી છે પરંતુ તે સમયે વિરોધીઓ કે પત્રકારોને સરકારની આલોચના કરવા ઉપર ક્યારેય પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી કે નથી ક્યારેય કોઈની ઉપર સત્તા વિરુદ્ધ બોલવા કે લખવા બદલ કેસ નોંધવામાં આવ્યો હોય. આ વાત એકદમ સત્ય છે કે, મોદી જેટલો ડરપોક શાસક આજદિન સુધી ભારતને મળ્યો નથી. માત્ર બોલવામાં શૂરા એવા નરેન્દ્ર મોદીને વિરોધીઓ કે પત્રકારોના સમાચારોથી ડર વધારે લાગે છે અને એટલે જ ફરીથી ભારત દેશમાં ભાજપે ગુલામીની રાજનીતિના શ્રી ગણેશ કર્યા છે. જેને લોકો મોદી મોદી કહીને આવકાર પણ આપી રહ્યા છે પરંતુ આ આવકાર આવતીકાલની ભારતની દિશા બદલી નાખશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
સત્તા ઘેલી ડરપોક ભાજપ હવે તંત્રના જોરે પત્રકારો અને વિરોધીઓ ઉપર ખોટા કેસો ઉભા કરીને આઝાદ ભારતને વધુ એક વાર ગુલામી તરફ ધકેલી રહ્યું છે. 26મી જાન્યુઆરીના રોજ ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો પણ આજે ફરીથી ભારત દેશ ગુલામીના રસ્તે આગળ વધી રહ્યો છે. અંગ્રેજોના શાસન બાદ ડરપોક ભાજપ સરકાર પોતાની વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને જેલમાં ધકેલીને પોતાની આપખુદશાહી ઉભી કરી રહ્યું છે. પોલીસ તંત્ર કે સરકારી તંત્ર હવે સ્વતંત્ર રહ્યું નથી. અહીં બેઠેલા સત્તાધિકારીઓ કે પોલીસ અધિકારીઓ હવે સત્તાધારી પક્ષના મનોરંજન માટે તેમની આગળ મુજરો કરી રહ્યા છે અને રાજકીય નેતાઓ પણ આ મુજરો કરનારાઓને તેમના કરતબ મુજબ તેમને ઈનામના બદલામાં ક્રીમ પોસ્ટિંગ આપી રહી છે. પોલીસ તંત્રમાં હવે એક જ કામ છે કે, સરકાર વિરુદ્ધ બોલનારા ઉપર વોચ રાખવામાં આવે અને તેની ઉપર કેસ નોંધીને રાજકારણીઓની આગળ સુંદર દેખાવ કરવામાં આવે. તાજેતરમાં ગુજરાત પોલીસના નમાલા અધિકારીઓએ પત્રકાર ઉપર તેમના હાથમાં રહેલો કાયદાનો કોરડો વીંઝ્યો છે. આ પત્રકારનો વાંક એટલો હતો કે તેણે સત્ય ઉજાગર કરતા સમાચાર પ્રજા સમક્ષ મુક્યા. નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા ઉપર સત્તાધારી ડરપોક ભાજપના નેતાઓ આગળ મુજરો કરનારી પોલીસે ગુનો નોંધીને તેમની રાજ્ય સરકાર પ્રત્યેની વફાદારી દેખાડી છે.
નવજીવન ન્યુઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા તુષાર બસિયા સામે સુરત પોલીસે 354, પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ ગુજરાતની કહેવાતી રાજકીય બાહોશ પોલીસે ફેસ ઓફ નેશનના પત્રકાર વિરુદ્ધ પણ ભાજપના નેતાઓના ઈશારે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો. હવે, ભારતમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે એમાંય ખાસ કરીને ગુજરાતમાં પોલીસ અધિકારીઓમાં ભાજપી હોવાનો દેખાડો કરવાની હોડ જામી છે. ભાજપની પડખે હોવાનો દેખાવડો કરવા માટે થઈને સરકાર વિરુદ્ધ બોલનાર ઉપર ગુનો નોંધી દેવાની રીતસર એક સ્પર્ધા જામી છે.
લોકશાહીમાં સૌ સ્વતંત્ર ત્યારે છે જયારે તેને સત્તા વિરુદ્ધ કે સત્તા સ્થાને બેઠેલા નેતાઓ વિરુદ્ધ પોતાની નાપંસદ પણ જાહેર કરવાનો કે બોલવાનો અધિકાર હોય. જ્યાં સત્તા વિરુદ્ધ બોલવાથી કે લખવાથી પોલીસ રાજકીય ઓઢણાં ઓઢીને કાયદાના નામે ધરપકડો કરીને જેલમાં ન મોકલે તે દેશ ખરા અર્થમાં લોકશાહી દેશ છે અને એટલે જ ભલે લોકો મોદી મોદી કરી રહ્યા પણ તેમના સંતાનોનું ભવિષ્ય તેવો વિદેશમાં જ સુરક્ષિત માને છે તો પછી મોદી મોદીની બુમરાણ કામની શું ????? પ્રજા ભલે એમ માનતી હોય કે, ભાજપ જેવો શક્તિશાળી કે ભાજપ જેવો બાહોશ કોઈ રાજકીય પક્ષ નથી તો તે માત્ર ખોટી ભ્રામક્તા છે કેમ કે, ખરા અર્થમાં ભાજપ જેવો ડરપોક કોઈ પક્ષ નથી કે જે, સરકારી સિસ્ટમનો ભરપૂર ઉપયોગ કરીને વિરોધીઓને દબાવી દેશને ફરીથી ગુલામી તરફ ધકેલવાની મેલી મંથરાવટી ધરાવે છે. વિદેશમાં લોકો સત્તા કે નેતા વિરુદ્ધ તેમની નારાજગી વ્યક્ત કરવાની હિંમત ધરાવે છે કેમ, કે ખરા અર્થમાં ત્યાં લોકશાહી છે જયારે ભારત દેશમાં કોઈની તાકાત નથી કે જે ભાજપના નેતા કે ભાજપ વિરુદ્ધ બોલી શકે. જો કોઈ બોલે તો તેને વિરોધ પક્ષનો અથવા તો દેશ વિરોધી હોવાનું બિરુદ આપી દેવામાં આવે છે.
એક નગ્ન સત્ય છે કે, જો આમ જ ચાલ્યું તો ખુબ જ ટૂંક સમયમાં ભારત ભાજપનું ગુલામ હશે. ભારતમાં રહેવા માટે તમારે ભાજપની વાહવાહી કરવી પડશે અને ભાજપ જે આદેશો કરે તે પાડવા પડશે. જો કોઈ તેની વિરુદ્ધમાં જશે તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. ભલે ભાજપના અમિત શાહ સહિતના નેતાઓ એમ કહેતા હોય કે ભારત એક લોકશાહી દેશ છે પણ તે વાત તદ્દન ખોટી છે. આ નેતાઓ ભારતને તેમની ગુલામીમાં રાખવા માંગે છે આ વાત સરકારના ઈશારે કામ કરતી પોલીસ સાચી સાબિત કરી રહી છે. મીડિયાને પણ માત્ર ભાજપની વાહવાહી કેમ કરીને જાહેરાતના પૈસા મેળવી લેવા તેમાં જ રસ છે. મીડિયાની આ કામગીરીને કારણે જ આજે ભાજપ બેફામ બની ગયું અને એ જ મીડિયાના પત્રકારો ઉપર કેસ નોંધવાની શરૂઆત કરી કે જે મીડિયાએ મોદી મોદી કરીને તેમને કવરેજ આપ્યું અને સત્તા દ્વારા પ્રજા સાથે થતા અન્યાયો ઉપર પડદો રાખીને માત્ર સત્તાની વાહવાહી કરતા સમાચારો જ રજૂ કર્યા. મીડિયા પણ હવે તેની જવાબદારી અને ભૂમિકા ભૂલીને સત્તાને શરણે જતું રહ્યું છે. ખુબ જ શરમજનક સ્થિતિ પેદા થઇ છે કે, સત્તાએ તમામને ખરીદી લીધા છે. શામ, દામ અને દંડનો ઉપયોગ કરવામાં ભાજપે કશું જ બાકી રાખ્યું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).