Home News વલસાડ કપરાડામાં ત્રણ કલાકમાં 3.4 ઈંચ વરસ્યો,મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા

વલસાડ કપરાડામાં ત્રણ કલાકમાં 3.4 ઈંચ વરસ્યો,મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા

Face Of Nation:હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ કલાકમાં સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં નોંધાયો છે. અને વલસાડ જિલ્લાના મધુબન ડેમના 4 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 3.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી અને વાપીમાં ચાર કલાકમાં 2.6 ઈંચ વરસાદ નોંધાયો છે. અને નવસારીના જલાલપોરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના 26 તાલુકામાં 1 મિમિથી 3.4 ઈંચ વરસાદ જેટલો વરસાદ પડ્યો છે.ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટી 73.35 મીટરે પહોંચી છે. જેથી ડેમના 4 દરવાજા 3 મીટર ખોલીને 84,097 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે વહીવટી તંત્રએ દમણગંગા નદીમાં નીચાણવાળા વિસ્તારમાં ન જવા લોકોને સાવચેત કર્યા છે. અને નદીની નજીક જવા પણ લોકોને મનાઈ કરવામાં આવી છે. નદીમા પાણીનું પ્રવાહ વધી રહ્યું હોવાથી તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.