Face Of Nation 13-06-2022 : ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે ચાર દિવસ પહેલાં સુરતમાં રોડ પર પોસ્ટર લગાવી અને વીડિયો વાઇરલ કરી કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો આધારે પોસ્ટર લગાવનાર, છાપનાર અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનાર પાંચની ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્રણ આરોપીઓના મોબાઈલમાંથી ઉશ્કેરણીજનક વીડિયો પણ મળી આવ્યા છે.
મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
નુપુર શર્માની વિવાદિત ટીપ્પણીને લઈ સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો બે શખ્સોએ ચોંટાડી મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મેસેજમાં લખ્યું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’વીડિયોના આધારે અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 યુવકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગ ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા. ઈમરાન નાનપુરામાં રહે છે. જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે.
મોબાઇલમાંથી ઉશકેરણીજનક વીડિયો મળ્યા
સુરતમાં નૂપુર શર્માના ફોટા ઉપર બુટની પ્રિન્ટવાળા પોસ્ટર રોડ પર ચોંટાડતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજને ઉશકેરવા માટે જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો નાનપુરા કાદરશાની નાળનો હોવાનું જણાતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને વીડિયોમાં નજરે પડતા મોહમંદ તૌફીક મોહમંદ રફીક શેખ, સદ્દામ રઉફ સૈયદ અને ઇમરાનખાન હબીબખાન પઠાણની ધરપકડ કરી હતી. આ ત્રણેયના મોબાઇલમાંથી ઉશકેરણીજનક વીડિયો મળ્યા હતા.
પોલીસે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ
નૂપુર શર્માના વિરોધ થકી શહેરમાં કોમી હિંસા ભડકાવવા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરનારા શાહરૂખ સલીમ ખાન અને શેર મોહમદ તાજ મોહમદ અંસારી ની ધરપકડ કરી હતી. આ તમામને પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કોમી હિંસા ભડકાવવા પાછળના પદડા પાછળ કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.
એક આરોપી હત્યા કેસમાં સંડોવાયેલો
યુપી અને ઝારખંડ જેવી હિંસા ભડકાવવાના બદઇરાદાને પાર પાડવા પોસ્ટર અને વીડિયો વાઇરલ કરનાર પાંચ પૈકી શાહરૂખ સલીમ પઠાણ રીઢો ગુનેગાર છે. શાહરૂખ દસ વર્ષ અગાઉ લિંબાયત પોલીસમાં હત્યાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે ચાર મહિના અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં જામીન મુક્ત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).