Face Of Nation 04-07-2022 : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે. ગત જુલાઈ માસની ત્રીજી તારીખ સુધીમાં અમદાવાદમાં 16 ટકા વરસાદ થયો હતો. ત્યારે ચાલુ વર્ષની આ સીઝનમાં માંડ પાંચ ટકા જેટલો વરસાદ થયો છે. આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFના 25 સભ્યની ટીમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ બાજુ જઇને કામગીરી કરશે.
દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં લોકોને સાવચેત રહેવા સૂચના
આગામી છઠ્ઠી જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે. 7મી જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ-નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. 8મી જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે, જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો ત્રસ્ત થયા
અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો ત્રસ્ત થયા છે. હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે.1996થી 2021 પ્રમાણે અમદાવાદ જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 27 ઈંચ વરસાદ પડતો હોય છે. જોકે, આવનારા દિવસોમાં વરસાદ ગતિ પકડે તેમ હવામાન નિષ્ણાતોનું માનવું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી વરસાદનું પ્રભુત્વ વધવાની સંભાવના છે. વરસાદની સંભાવના મંગળવાર-બુધવારે 87, ગુરુવારે 94 ટકા, શુક્રવાર-શનિવારે 65 ટકા અને રવિવારે 74 ટકા છે.
અમદાવાદમાં મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ
હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે, અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની શક્યતા છે. શહેરમાં લોકોની આતુરતાની રાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી ઘુમા, બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. વરસાદી આંકડા પ્રમાણે, હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી : અમદાવાદમાં બફારાથી લોકો પરેશાન, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં...