Face Of Nation:સમગ્ર ગુજરાતમાં મેઘસવારીન પગલે રાજ્યના જળાશયોમાં વિપુલમાત્રામાં પાણીની આવક સર્જાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 16 ડેમ પૂરેપૂરો ભરાઈ ગયા છે જ્યારે 12 ડેમ ભરાવાની તૈયારીમાં છે. શુક્રવારે રાજ્યના 93 તાલુકાઓમાં 2થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના મહુધામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગભગ સર્વત્ર વરસાદ પડ્યો છે. ડેડિયાપાડામાં 7, છોટાઉદેપુરમાં 7 જ્યારે પાટણના સરસ્વતીમાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરાઈ છે.ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી હતી. નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતાં ભરૂચ કિનારે નર્મદાને 6 વર્ષ બાદ બે કાંઠે અને તેના રૌદ્ર સ્વરૂપમાં જોવાનો લહાવો મળ્યો હતો. નર્મદા ડેમના દરવાજા રાત્રીના 3 કલાકે ખોલવામાં આવતાં નર્મદા નદીનું જળસ્તર ઊંચું આવ્યું હતું. સવારે 7 વાગ્યા બાદ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળ્યો હતો.