Home Gujarat પીવાના પાણીની ચિંતા દૂર : ઉ.ગુ.ના 15 જળાશયોમાં 31% પાણી, જ્યારે 206...

પીવાના પાણીની ચિંતા દૂર : ઉ.ગુ.ના 15 જળાશયોમાં 31% પાણી, જ્યારે 206 જળાશયો પૈકી 69 ડેમ 100% ભરાયા, નર્મદા ડેમમાં 83.10% પાણીનો જથ્થો!

Face Of Nation 12-08-2022 : ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદ થતાં રાજ્યમાં પીવાના પાણીની ચિંતા દૂર થવા પામી છે. હાલમાં રાજ્યમાં નર્મદા ડેમ સહિતના કુલ 307 જળાશયોમાં ક્ષમતાના કુલ 69 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યની કુલ જળસંગ્રહ ક્ષમતા 25266 MCM છે. તેની સામે અત્યાર સુધીમાં 17396 MCM પાણી આવ્યું છે. પાણીની આ આવક છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ છે. તેમજ ગત વર્ષની 10મી ઓગસ્ટ કરતાં 21 ટકા વધારે છે.
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી
ગુજરાતમાં વ્યાપક વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં કેટલું પાણી આવ્યું છે તેની સર્વગ્રાહી સમિક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ એવો નિર્દેશ આપ્યો હતો કે, જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને પાણી વહી જાય છે. ત્યાં નાના ચેકડેમ બનાવીને વરસાદી પાણી રોકી શકાય છે. તેમણે કહ્યું હતું કે, કચ્છમાં નાની સિંચાઈ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 74 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે.
નર્મદા ડેમમાં 83.10% પાણીનો જથ્થો
સરદાર સરોવર સિવાયના જે 206 જળાશયો પૈકી 69 ડેમ 100 ટકા, 12 ડેમ 80થી 90 ટકા અને 35 ડેમ 50તી 70 ટકા સુધી ભરાયાં છે. આ બેઠકમાં મુખ્યમંત્રીને માહિતી અપાઈ હતી કે, જે 73 જળાશયોમાંથી પીવાનું પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 ટકા જળાશયોમાં ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. હાલ ગુજરાતના જળાશયોમાં 71.87% પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 34.22%, મધ્ય ગુજરાતમાં 54.02%, દક્ષિણ ગુજરાતમાં 75.30%, કચ્છમાં 70.78%, સૌરાષ્ટ્રમાં 63.63%, નર્મદા ડેમમાં 83.10% પાણીનો જથ્થો છે.
10 જળાશયો 70થી 80 ટકા સુધી ભરાયા
ગુજરાતમાં હાલમાં 68 જળાશયો 90 ટકાથી વધુ ભરાયા હોવાથી હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80થી 90 ટકા ભરાયા હોવાથી એલર્ટ પર છે. 10 જળાશયો 70થી 80 ટકા સુધી ભરાયા હોવાથી વોર્નિંગ પર છે. જ્યારે 112 જળાશયોમાં 70 ટકા પાણીનો જથ્થો છે. રાજસ્થાન અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં ધસમસતા પાણીની ધરોઇ ડેમમાં આવક વધી રહી છે. 20833 ક્યૂસેક પાણીની આવક ડેમમાં થવા લાગી છે. આ દરમ્યાન ધરોઇ ડેમમાં 606.5 ફૂટ સપાટીએ પાણી પહોંચ્યા છે. ડેમમાં હાલ ક્ષમતાના 50 ટકા પાણી ભરાતાં આગામી ચોમાસા સુધી પીવાના પાણીનો પૂરતો સ્ટોક તેમજ ખેડૂતોને પિયત માટે બે પાણેત આપી શકાય એટલો પાણી સંગ્રહ થયાનું ધરોઇ ડેમના સૂત્રોએ કહ્યુ હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).