Face Of Nation 14-06-2022 : ગુજરાતમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માત્ર ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી કાર્યવાહી કરી રહ્યું છે. શહેરમાં કોમર્શિયલ બિલ્ડીંગમાં કાર્યરત હોસ્પિટલો સીલ કરવામાં આવે છે, બાકીના એકમો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ફાયર NOC વિનાની તમામ બિલ્ડિંગ સામે કાર્યવાહી જરૂરી છે. મુખ્ય ખંડપીઠે ટકોર કરી કે, જે રહેણાંક એકમો ફાયર સેફ્ટીની અમલવારી ન કરતા હોય તો ‘તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી નાંખવા જોઈએ, જેથી કરીને તેઓ સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરશે.
રાજ્યમાં 85 ટકા ઇમારતો BU પરમિશન વિનાની છે
બીજી તરફ રાજ્ય સરકાર વતી પણ સમગ્ર રાજ્યની પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. ચોકાવનારી બાબત એ આવી છે કે 85 ટકા ઇમારતો BU પરમિશન વિનાની છે. રાજ્યમાં કુલ 1360 થી વધુ સરકારી શાળા છે. જેમાં 12 જેટલી શાળામાં ફાયર સેફટી હોવાનું સામે આવ્યું છે, જ્યારે 17 જેટલી સરકારી કોલેજોમાં ફાયરસેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેથી ફાયર સેફ્ટી એન. ઓ.સી. વિનાની સરકારી શાળાઓ અને કોલેજો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે. સાથે જ ટકોર કરી છે ‘કે સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકે.
અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ કેસ
હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીની અમલવારી મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં AMC તરફથી નિવેદન કરવામાં આવ્યું હતું કે, ફાયર સેફટી એક્ટનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરાશે. આ માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેસિગ્નેટેડ કોર્ટ ફાળવવા માટે પણ રજૂઆત કરી છે. જેથી કેસોનો નિકાલ સરળતાથી થઈ શકે’. આ મામલે ચીફ જસ્ટિસ દ્વારા પણ ડેસિગ્નેટેડ કોર્ટ માટે હાઇકોર્ટ તરફથી વહીવટી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ અરવિંદકુમારની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ઈમ્પેક્ટ ફી પેટે 10 ગણી પેનલ્ટી વસુલવી જોઈએ.
1128 રહેણાંક ઇમરતો પાસે ફાયર સેફ્ટી NOC નથી
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે સોગંદનામુ પણ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં 1128 રહેણાંક ઇમરતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમરતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી, મતલબ કે કુલ 1416 ઇમારતો પાસે ફાયર NOC નથી. શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ છે. જો કોમર્શિયલ એકમમાં આગ લાગે તો, રહેણાંક મકાનો સુધી પહોંચી શકે છે. જેથી તેમની સામે કાર્યવાહી ઝડપી અને જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).