Home News MS યુનિ.ના ફી વધારાથી ભડકી ઉઠી NSUI ,કોમર્સ ફેકલ્ટીમાં તાળાબંધી કરી NSUIના...

MS યુનિ.ના ફી વધારાથી ભડકી ઉઠી NSUI ,કોમર્સ ફેકલ્ટીમાં તાળાબંધી કરી NSUIના વિરોધી તેવર

આજથી એફ.વાય. બીકોમની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે

પેમેન્ટ બેઠકમાં 2200 અને બીકોમ ઓનર્સ કોર્સમાં 5000નો વધારો કરાયો છે

ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા કર્યા હતા

Face Of Nation:વડોદરા: એમ.એસ. યુનિવર્સીટી દ્વારા કોમર્સ ફેકલ્ટીની હાયર પેમેન્ટ બેઠકમાં કરવામાં આવેલા ફી વધારાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ એન.એસ.યુ.આઇ. દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીને તાળા મારી દેવામાં આવ્યા હતા. યુ.જી.એસ. સહિત વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીને તાળાં મારતા રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ, યુનિ. સિક્યુરીટી અને પોલીસ દોડી આવી હતી.

ફી વધારાના વિરોધમાં એન.એસ.યુ.આઇ.નું આંદોલન
એમ.એસ.યુનિવર્સીટીના જી.એસ. અને એન.એસ.યુ.આઇ.ના અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીની પેમેન્ટ બેઠક ઉપર રૂપિયા 2200 અને ઓનર્સ કોર્સમાં રૂપિયા 5000 જેટલો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ફી વધારાના મુદ્દે એન.એસ.યુ.આઇ. દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ, યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા સકારાત્મક જવાબ ન આપતા આજે સાયન્સ ફેકલ્ટીના જી.એસ. નિતીનસિંગ બારડ અને કૃપલ પટેલ સહિત વિદ્યાર્થી અગ્રણીઓ સાથે કોમર્મ ફેકલ્ટીને તાળાં મારી ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને યુનિટ બિલ્ડીંગને તાળાં માર્યા બાદ રજિસ્ટારને બોલાવવામાં આવ્યા હતા. અને ફી વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

NSUIએ યુનિટ બિલ્ડીંગની તાળાબંધી કરતા પોલીસ દોડી આવી
ફી વધારાના વિરોધમાં એન.એસ.યુ.આઇ. દ્વારા યુનિટ બિલ્ડીંગને તાળાબંધી કરવામાં આવતા યુનિવર્સીટી સિક્યુરીટી તેમજ સયાજીગંજ પોલીસ પણ દોડી આવી હતી. અને વિદ્યાર્થી અગ્રણીઓને સમજાવી તાળાં ખોલાવ્યા હતા. યુ.જી.એસ. વ્રજ પટેલે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમ પછી પણ ફી વધારો પરત ખેંચવામાં નહિં આવે અને વિદ્યાર્થીઓ માટે પુરતી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન એન.એસ.યુ.આઇ. દ્વારા કરવામાં આવશે.

સિક્યુરીટી અને વિદ્યાર્થી અગ્રણીઓ વચ્ચે ચકમક ઝરી
ઉલ્લેખનિય છે કે, આજથી એફ.વાય. બીકોની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનાર છે. ત્યારે એન.એસ.યુ.આઇ. દ્વારા આજે સવારે યુનિટ બિલ્ડીંગ ખાતે ધસી ગયા હતા. જેથી રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ અને સિક્યુરીટી પણ પહોંચી ગઇ હતી. મામલો ઉગ્ર બનતા રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓ અગ્રણીઓ સાથે બેઠક કરીને સકારાત્મક નિર્ણય લેવાની હૈયાધારણ આપતા મામલો થાળે પડ્યો હતો. એક તબક્કે યુનિવર્સિટી સિક્યુરીટી અને વિદ્યાર્થી અગ્રણીઓ વચ્ચે ચકમક ઝરી હતી.