Face Of Nation : તારીખ 17/06/2019ને સોમવાર. આ દિવસ ફેસ ઓફ નેશન ગ્રુપ માટે અતિ મહત્વનો દિવસ હતો. કેમ કે આ દિવસે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનાં ઓર્ડર સામે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે કરવામાં આવેલી અપીલના ચુકાદાનો દિવસ હતો. આમ તો ફેસ ઓફ નેશન અખબારની શરૂઆત કરી ત્યારે ખબર ન્હોતી કે તે અમને કે અમે તેને ક્યાં સુધી લઇ જઈશું. ગુજરાત સરકાર સામે ફેસ ઓફ નેશન દ્વારા એપ્રિલ 2018માં નામદાર હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અપીલ SDM દ્વારા કરવામાં આવેલા ફેસ ઓફ નેશનનાં ડેકલેરેશન રદ કરવાનાં હુકમ સામે કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે માન્ય રાખીને SDMનો હુકમ રદ કરવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો સમગ્ર મીડિયા ક્ષેત્ર માટે અતિ મહત્વનો બની જશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કારણ કે, નેતાઓ અને સરકાર જે રીતે મીડિયાને દબાણમાં લેવાના પ્રયાસો કરે છે તે યોગ્ય નથી અને કાયદાની મર્યાદામાં પણ નથી.
આ અખબારને લોકો સુધી પહોંચાડવા, લોકો વચ્ચે લોકપ્રિય બનવા ઘણી મહેનત કરી છે, પોતાને તાબે ન થતાં ખોટી રીતે બદનામ કરનારા તત્વો સામે પણ મજબૂત બનીને જવાબ આપ્યાં છે. છતાં આખરે એક નેતાએ તેની મેલી મુરાદ પાર પાડવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરીને અમારી ઉપર કાયદાનાં નામે વાર કર્યો હતો જે તદ્દન ગેરવ્યાજબી હતો. સરકારી અધિકારી પણ નેતાઓના ઈશારે ચાલતા હતાં. ગાંધીનગર સ્થિત માહીતી ખાતાના એક અધિકારી સાથે ફેસ ઓફ નેશનનાં ડાયરેક્ટરે મુલાકાત કરી ત્યારે તેઓએ બિન્દાસ્ત જણાવ્યું હતું કે, નેતાજીનાં આદેશથી તમારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ ક્ષણ અમારાં માટે ખૂબ જ કપરા સંજોગો લઇ આવનાર હોવાની માહીતી આપી રહી હતી અને સમય સમયે થયુ પણ એવું જ કે ફેસ ઓફ નેશન અખબારને બંધ કરવું પડયું.
ફેસ ઓફ નેશન અખબારની શરૂઆતથી આજદિન સુધી ઘણાં ચઢાવ ઉતારનો સામનો કરવો પડ્યો છે ત્યારે દોઢ વર્ષથી પણ લાંબો સમયગાળો અખબારને SDMનાં ખોટા રાજકીય પ્રેરિત ઓર્ડરથી બંધ રાખવું એ અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત હતી કારણ કે જે અખબારને લોકો સુધી પહોંચાડવા અમે તનતોડ મહેનત કરી છે તે અખબારને બંધ કરવાનો વિચાર માત્ર અમને હલાવી નાખતો હતો. લોકોના પ્રશ્નોને ધારદાર લખાણ સાથે વાચા આપીને સરકારમાં રજુઆત કરવી, અધિકારીઓના કારનામા ઉઘાડા પાડવા, નેતાઓના કૌભાંડો લખવા આ બધા સમાચારોને હવે ક્યાં સ્થાન આપીશું તે એક સવાલ હતો. જો કે તે સમયે તાત્કાલિક ધોરણે ફેસ ઓફ નેશન ગ્રુપે SDMનાં ઓર્ડરને નામદાર હાઇકોર્ટ સમક્ષ પડકારવાનો નિર્ણય કર્યો અને તેની સમગ્ર તૈયારી કરીને એડવોકેટ મારફતે એક પિટીશન દાખલ કરવામાં આવી. આ પિટીશન નામદાર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સમક્ષ એક વર્ષ સુધી ચાલી અને અંતે SDMનાં ચુકાદાને રદ કરવામાં આવ્યો. આ ક્ષણ ફેસ ઓફ નેશન ગૃપ માટે અત્યંત આનંદની ક્ષણ હતી જો કે દોઢ વર્ષ જેટલો સમય અખબારને બંધ રાખવું પડયું તેનું પણ દુખ હતું, છતાં એક નવા જોશ નવી આશા સાથે આવી રહ્યાં હોવાનો એક મત ફેસ ઓફ નેશનનાં ડાયરેક્ટર , એડિટર, સબ એડિટરે વ્યકત કર્યો હતો.
આ સમયગાળા દરમ્યાન ફેસ ઓફ નેશનને સહયોગ પૂરો પાડનારા તમામ લોકોનો અમે ખૂબ જ હ્ર્દયપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ.