ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે.
Face Of Nation:નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે. જેના પગલે સુપ્રીમ કોર્ટ આવતી કાલે બુધવારે આ અરજીની સુનાવણી હાથધરશે. રાજ્યસભાની આ બંને બેઠકો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીમાં જીતતા ખાલી પડી છે. અમરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અરજીમાં ચૂંટણી પંચને બંને બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો.
આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.