સજ્જાદ બટ પુલવામા હુમલાનો છેલ્લો આતંકી હતો
પુલવામા હુમલામાં CRPFના 40થી વધુ જવાનો શહીદ થયા હતા
Face Of Nation: શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમા અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં પુલવામા હુમલો કરવા માટે પોતાની ગાડી આપનારો આતંકી પણ સામેલ હતો. સુરક્ષાબળ છેલ્લા ઘણાં સમયથી તેની શોધખોળમાં લાગ્યા હતા. આ ઉપરાંત પુલવામામાં IED બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર મારવામાં આવ્યો છે. સુરક્ષાબળોનો દાવો છે કે આ પુલવામા હુમલામાં સામેલ અંતિમ આતંકી છે જેને ઠાર મરાયો છે.
સજ્જાદની ગાડીનો ઉપયોગ પુલવામા હુમલામાં કરાયો હતોઃ સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સવારે અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદ બટને ઠાર માર્યો હતો. સજ્જાદ બટની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા CRPFના કાફલા પર હુમલામાં કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સેનાએ વધુ એક આતંકીને ઠાર માર્યો હતો. ઠાર મરાયેલો આતંકી ગત સોમવારે એટલે કે 17 જૂને પુલવામામાં સેનાની ગાડીમાં થયેલા IED બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. સુરક્ષાબળો તરફથી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરનો સૌથી ભયાનક હુમલો હતો જેમાં 200 કિલો વિસ્ફોટક ભરેલી ગાડીને CRPFની એક બસ સાથે અથડાવવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.