Home News મિત્રએ રચ્યું ચોરીનું કારસ્તાન, નજર ચૂકવી પર્સમાંથી શેરવી લીધું ATM કાર્ડ,મોડી રાત્રે...

મિત્રએ રચ્યું ચોરીનું કારસ્તાન, નજર ચૂકવી પર્સમાંથી શેરવી લીધું ATM કાર્ડ,મોડી રાત્રે 25 હજાર ઉપાડી લીધા

યુવક મિત્રને લઈને જતો હતો, વરસાદ પડતાં મિત્રને પર્સ સાચવવા આપ્યું
માત્ર ત્રણ જ મિનિટમાં એટીએમમાંથી રૂપિયા કાઢી લીધા

Face Of Nation: વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં ઇલેક્ટ્રિકલ વર્ક્સની દુકાનમાં કામ કરતો યુવક મિત્ર સાથે પોર જીઆઈડીસીમાં સામાનની ડિલિવરી આપવા જતો હતો .ત્યાં વરસાદ પડતો હોવાથી યુવકે પોતાનું પર્સ મિત્રને રાખવા આપ્યું હતું. ત્યારબાદ પરત મકરપુરા જીઆઈડીસી પાસે બંને પાણીપુરી ખાતા હતા ત્યારે મિત્રે નજર ચૂકવી પર્સમાંથી એટીએમ કાઢી લીધા બાદ મોડી રાત્રે 3 મિનિટના સમયગાળામાં 25 હજાર ઉપાડી લીધા હતા.

કારખાને આપવા ગયા હતા સામાન
કલાલી ફાટક પાસે રહેતા રમેશભાઈ ભીખાભાઇ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પાસે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનું એટીએમ છે. તે એટીએમનો ઉપયોગ તેમનો પુત્ર ધવલ કરે છે. ગત તા. 13 જૂનના રોજ સવારે 9.30 વાગ્યે તેઓ કારખાના ઉપર હતા.ત્યારે બપોરે 1 વાગ્યે પોર જીઆઇડીસીની કંપનીમાંથી ગ્રાઈન્ડર મશીન અને ઇલેક્ટ્રિક સામાનનો ઓર્ડર મળ્યો હતો. જેથી રમેશભાઈએ ધવલને ફોન કરી ઓર્ડર પ્રમાણે સામાન પહોંચાડવા કહ્યું હતું. જેથી ધવલે કારખાના ઉપર આવેલા મિત્ર ધવલ નરસિંહ ચાવડા (રહે.અટલાદરા) સાથે બાઈક ઉપર સામાન પોર જીઆઈડીસીમાં આપવા જતો હોવાનું જણાવ્યું હતું.

મિત્રે જ ચોર્યા 25 હજાર
ધવલ પોર જીઆઈડીસીમાં તેના મિત્ર ધવલ ચાવડા સાથે જવા નીકળ્યો હતો. દરમિયાન તેણે પેટ્રોલપંપ પર 100 રૂપિયાનું એટીએમ કાર્ડથી પેટ્રોલ ભરાવ્યું હતું. ત્યારે તેણે એટીએમનો પાસવર્ડ બોલતાં ધવલ ચાવડાને પણ એટીએમના પાસવર્ડની ખબર પડી હતી. ત્યાંથી તેઓ પોર જીઆઈડીસીમાં પહોંચ્યા હતા અને ત્યાં વરસાદ પડતો હોવાથી ધવલે તેનું પર્સ મિત્ર ધવલ ચાવડાને આપ્યું હતું. સાંજે 7 વાગ્યે બંને મકરપુરા જીઆઇડીસી પહોંચ્યા હતા. ત્યાં પાણીપુરી ખાધા પછી ધવલ ચાવડાએ નજર ચૂકવી તેમના પુત્રના પર્સમાંથી તેઓનું એટીએમ કાઢી લીધું હતું. ત્યારબાદ મોડી રાત્રે 2.50 વાગ્યાથી 2.53 વાગ્યાના 3 મિનિટના સમયગાળામાં તેમના એટીએમમાંથી રૂ.25 હજાર ઉપાડી લીધા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.