Home Uncategorized Exclusive : દિલ્હીથી કોઈ IASની બદલીનું લિસ્ટ CM લાવ્યા નથી : જો...

Exclusive : દિલ્હીથી કોઈ IASની બદલીનું લિસ્ટ CM લાવ્યા નથી : જો કે, નવા નેતાઓના “ખાસ” ગુજરાતી અધિકારીઓને તક મળશે

Face Of Nation, 21-09-2021 : ભાજપે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બદલીને એવા નવા નામની જાહેરાત કરી કે જે નામની કોઈ ચર્ચા જ ક્યાંય નહોતી. ફેસ ઓફ નેશને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનું નામ ચોંકાવનારું હશે અને થયું પણ એવું જ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે સાથે ભાજપે આંખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું છે. કોઈ પણ નેતાને રિપીટ કરવામાં આવ્યા નથી તેવામાં ભાજપે આ તમામ નેતાઓની સાથે તેમના ખાસ માનીતા અને ગુજરાતી અધિકારીઓને જ પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું હોવાની માહિતી મળી છે. આનંદીબેનની સરકારની જેમ ગુજરાતી અધિકારીઓનો દબદબો ફરી જીવંત થશે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી સહિત મોવડી મંડળે દરેક નવા નેતાઓના માનીતા અને ખાસ ગુજરાતી અધિકારીઓને મુકવા માટે છૂટ આપી છે. જો કે તેમનું માર્ગદર્શન એટલું જ છે કે, જે પણ અધિકારીની નિયુક્તિ થાય તે કામ કરનાર અને પ્રજા સુધી પહોંચનાર પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપનાર હોવો જોઈએ.
મુખ્યમંત્રી પદ સાંભળતાની સાથે જ ભુપેન્દ્ર પટેલ એક દિવસની રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના કેન્દ્રીય નેતાઓ શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા. આ પ્રકારની મુલાકાત સામાન્ય છે. જયારે જયારે નવા સીએમ સત્તાસ્થાને આવે છે ત્યારે તે તેમના પક્ષના મોવડી મંડળના નેતાઓની અવશ્ય મુલાકાત લે છે. આ પ્રકારે જ ભુપેન્દ્ર પટેલે ફક્ત શુભેચ્છા મુલાકાત લીધી હતી. જો કે આ મુલાકાત દરમ્યાન તેઓ ગુજરાતના આઈએએસ અધિકારીઓની બદલીનું લિસ્ટ લઈને આવ્યા હોવાની અફવાઓ વહેતી થઇ ગઈ છે.
નરેન્દ્ર મોદી અને ભાજપ મોવડી મંડળે નિયુક્ત કરેલા મુખ્યમંત્રીથી માંડીને મોટાભાગના મંત્રીઓ પ્રજાલક્ષી કામોમાં ઉત્સાહિત છે. આ એવા નેતાઓ છે કે જેઓને માટે પદ કરતા પ્રજાના કામો વધુ મહત્વના છે. મોટાભાગના તમામ નવ નિયુક્ત મંત્રીઓએ પ્રજાના કામો માટે અધિકારી પાસે કામગીરી કરેલી છે અને ક્યાં અધિકારી કેટલા પ્રજા લક્ષી કામોમાં ધ્યાન આપે છે કે ક્યાં અધિકારી કેટલા કામચોર છે તે તમામ બાબતો નવા મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ ખુબ સારી રીતે જાણે છે જેથી હવે આગામી સમયમાં નવી સરકારના મંત્રીઓ બદલીનો ગંજીપો ચીપશે તે પહેલા તેમના ખાસ પ્રજાલક્ષી અને ગુજરાતી અધિકારીને પ્રાથમિકતા આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાંથી વિવાદીત મંત્રીઓને દૂર કરવામાં આવ્યા છે તેવી જ થિયરી અધિકારીઓ માટે પણ લાગૂ કરવામાં આવી છે. જે પણ અધિકારીઓએ ધારાસભ્ય અને કાર્યકરનું માન નહી જાળવ્યું હોય તેવા PA અને PSને પણ હવે રિપીટ કરવામાં નહી આવે. જો કોઈને પણ રિપીટ કરવા હશે તો તેના માટે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશે.
દિલ્હીના નેતાઓએ પાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા અધિકારીઓને જ નિમણૂંક આપવાનો આગ્રહ કર્યો છે. ખાસ કરીને વિવાદીત અધિકારીઓ રિપીટ નહીં કરવા પણ તેઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. ભૂતકાળમાં જેની છબી ખરડાઈ હોય તેવા અધિકારીઓને રિપીટ કરવામાં આવશે નહીં. આ નિર્ણયને લઈને મોટા ભાગના જૂના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે સાથે જ આનંદીબેનના સમયમાં જે રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા કાબેલ ગુજરાતી અધિકારીઓનો દબદબો થયો હતો તે જ રીતે ફરી પાછા ગુજરાતી અધિકારીઓનો દબદબો શરૂ થશે તેવી પ્રબળ શક્યતાઓ છે કેમ કે, ગુજરાતના મોટાભાગના અધિકારીઓ પ્રજાલક્ષી કામગીરીથી અને લોકો સાથે વાણી-વ્યવહારથી કુશળ છે.
ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની બદલી અને બઢતીની સત્તા રાજ્ય સરકારો પાસે હોવાને કારણે મોટાભાગના અધિકારી બદલી અને બઢતીમાં થતા વિલંબને કારણે સરકારને અનુકૂળ થવાનો પ્રયાસ કરતા હોય છે પણ અનેક અધિકારીઓ પોતાની પ્રકૃતિ અને પ્રવૃત્તિ બદલી શકતા નથી. જેને કારણે તેમના પોસ્ટીંગ લાંબો સમય ટકી શકતા નથી. જો કે આવા અધિકારીઓ વાણી અને વર્તનથી પણ બેફામ હોય છે, ક્યારેક આવા અધિકારીઓ સત્તા પક્ષના ઉચ્ચ નેતાઓના બેક ગ્રાઉન્ડના કારણે સ્થાનિક નેતાઓને પણ સાંભળતા નથી અને ધક્કે ચઢાવે છે, તેવામાં આવા સ્થાનિક નેતાઓ ઉચ્ચ પદે બિરાજમાન થઇ જાય ત્યારે અભિમાની સરકારી નેતાઓને સાઈડલાઈન થતા વાર લાગતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)