- ક્રુર હત્યાનું કારણ હાલ અકબંધ
- બે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ
Face Of Nation:સુરતઃ લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતરે ગત રોજ એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો. જ્યારે યુવકને લાકડાના ફટાકા મારવામાં આવતા ત્યારે લોકો જોઈ રહ્યા અને કોઈ મદદે પણ ન ગયું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. જો પોલીસના બાતમીદારની જ આવી ક્રુર હત્યા કરવામાં આવે તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું? શું સુરતમાં પોલીસનો ડર જ રહ્યો નથી? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
લિંબાયતમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા(27 વર્ષ) હાલ કોઈ કામ ધંધો કરતો ન હતો. તે ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો. હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી.જોકે, હત્યાનું કારણ હજી પોલીસને પણ ખબર નથી.