Home World 12 કલાકમાં 6 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપથી ચીન હચમચી ગયું,ભૂકંપથી 13નાં...

12 કલાકમાં 6 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપથી ચીન હચમચી ગયું,ભૂકંપથી 13નાં મોત તો 200થી વધુ ઘાયલ

  • 6ની તીવ્રતાનો પહેલો આંચકો સોમવાર રાતે 10.55 કલાકે અને 5.3ની તીવ્રતાનો બીજો આચંકો મંગળવારે સવારે આવ્યા હતો
  • ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 5 હજાર ટેન્ટ અને 10 હજાર ફોલ્ડિંગ બેડ્સ પણ મોકલવામાં આવ્યા છે

Face Of Nation:બેજિંગ:ચીનના દક્ષિણ પશ્ચિમ સ્થિત સિચુઆન પ્રાંતમાં સોમવારે રાત્રે ભૂકંપના બે જોરદાર ઝટકા આવ્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મૃત્યુ અને 200થી પણ વધુ ઘાયલ થયા હતા. આ દરમિયાન અનેક મકાનો ધરાશાયી થયાં હતાં. બાદમાં સરકારે કટોકટી જાહેર કરી દીધી હતી. ચીન ભૂકંપ કેન્દ્રએ કહ્યું હતું કે પહેલો ભૂકંપ ચેંગનિંગ કાઉન્ટીમાં સોમવારે રાત્રે 11 વાગ્યે 6ની તીવ્રતાનો અને બીજો ભૂકંપ મંગળવારે સવારે 7:34 વાગ્યે 5.3ની તીવ્રતાનો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 44 લાખની વસતી ધરાવતા યિબિન શહેરથી આશરે 20 કિલોમીટર દૂર જમીનમાં 16 કિલોમીટર નીચે છે. સરકારી એજન્સીઓએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પાંચ હજાર ટેન્ટ, 10 હજાર ફોલ્ડિંગ બેડ, 20 હજાર રજાઈ અને બે હજાર ધાબળા મોકલ્યા હતા.

પીડિતોની મદદ માટે 5 હજાર ટેંટ લગાડવામાં આવ્યાઃ રાજધાની ચેંગદુમાં અર્થ ક્વેક વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ આવ્યાના એક મિનિટ પહેલા લોકોને સર્તક કર્યા હતા. ત્યારબાદ ભારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ બાદ કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે રાહતની કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકર્મીઓને મોકલવામાં આવ્યા છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય ખાદ્ય મંત્રાલયે પાંચ હજાર ટેન્ટ, 10 હજાર ફોલ્ડિંગ બેડ અને 20 હજાર રજાઈ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે.

મેઈદોંગ શહેરમાં ભૂકંપના કારણે એક હોટેલ ધરાશાયીઃ મંત્રાલયે કહ્યું કે, 63 ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને 302 ફાયરકર્મીઓને બચાવ કાર્યમાં લગાવી દેવાયા છે. ભૂકંપના કારણે મેઈદોંગ ટાઉનશિપમાં હોંગુઆન હોટલ ધરાશાયી થઈ છે. સિચુઆનના લુઓઉ શહેરના યિબિન અને જુયોન્ગ કાઉન્ટીને જોડનારા હાઈવેમાં તિરાડ જોવા મળી રહી છે. હાઈવેને હાલ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ બે અન્ય રસ્તાઓને પણ બંધ કરવામાં આવ્યા છે.

મેઈદોંગ અને શુઆંગે શહેરમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા ઠપઃ મેઈદોંગ અને શુઆંગે શહેરમાં ટેલિફોન, ઈન્ટરનેટ તમામ સંચાર વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. બન્ને શહેર ભૂકંપના કેન્દ્ર પાસે જ આવેલા છે. સ્થાનિક પોલીસ અહીંથી લોકોને બહાર કાઢી રહી છે. ડોક્ટર, ફાયરકર્મીઓ અને અન્ય બચાવકર્મીઓ ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાડોશી શહેરના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના ભારે આચંકા અનુભવાયા છે. આ વિસ્તાર ઉપકેન્દ્ર પાસે છે. જો કે અહીં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.