Home Politics વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા, 49ના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા, 49ના થયા રાહુલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
2018માં 3 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી પછી બીજેપીની 22 રાજ્યોમાં સત્તા હતી જ્યારે કોંગ્રેસની માત્ર 4 રાજ્યોમાં જ

Face Of Nation:નેશનલ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે 49 વર્ષના થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આજે તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી છે. ચોકીદાર ચોર છેની નારેબાજી કરીને રાહુલ ગાંધીએ આ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને ટક્કર આપવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો આ પ્રયત્ન ના રાહુલ ગાંધીને કામ લાગ્યો ન કોંગ્રેસને. આ વખતે પણ કોંગ્રસ લોકસભા ચૂંટણીમાં ઘણાં રાજ્યોમાં તેમનું ખાતુ પણ ન ખોલી શકી તે ઉપરાંત તેમની પરંપરાગત સીટ અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીને હાર મળી. આકરી હાર પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દેવાની પણ માંગણી કરી પરંતુ પાર્ટી કાર્યકરોએ તેમને આ પદ પર રહેવા માટે જ આગ્રહ કર્યો.

અધ્યક્ષ બન્યા પછી કોંગ્રેસની થઈ વધુ ખરાબ સ્થિતિ
2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં 16 ડિસેમ્બરે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ આપવામાં આવ્યું હતું. ત્યારે માનવામાં આવતું હતું કે તેઓ પાર્ટીની અંદર એક નવો જોશ ભરશે અને તેમની આગેવાનીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને મુશ્કેલી ઉભી થશે. પરંતુ આજ દિન સુધી એવુ કશું થયું નહીં. 5 મહિના પહેલાં 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને બાદ કરી દઈએ તો દેશના દરેક ખૂણામાં ભારતીય જનતા પાર્ટી સતત મજબુત થતી જોવા મળી છે અને કોંગ્રેસ સતત સમેટાઈ ગઈ છે.

2014માં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર 7 રાજ્યોમાં બીજેપી સત્તામાં હતી અને કોંગ્રેસ 13 રાજ્યોમાં સત્તા પર હતી. પરંતુ માર્ચ 2018માં 3 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી પછી બીજેપીની 22 રાજ્યોમાં સત્તા ચાલતી હતી અને કોંગ્રેસની સત્તા માત્ર 4 રાજ્યો (પંજાબ, કર્ણાટક, મિઝોરમ અને પોંડિચેરી)માં રહી હતી. જોકે આજે પણ કોંગ્રેસની માત્ર 6 રાજ્યો (રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને પોંડિચેરી)માં સરકાર ચાલી રહી છે.

લોકસભા ચૂંટણીએ કર્યા નિરાશ
રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 543 સંસદીય સીટમાંથી માત્ર 52 સીટ જ મળી છે. જોકે 2014ની સરખામણીએ માત્ર 8 સીટ વધારે છે. પાર્ટીના વોટશેરમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 19.5 ટકા જોવા મળ્યો છે, જે 2014માં 13.6 ટકા હતો.