Face Of Nation, 23-09-2021: પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ફુરતાનો કિસ્સો સામે આવ્યો છે. વિકાસશીલ ગુજરાતમાં હજી પણ લોકો કેવા વહેમમાં જીવે છે તેનો પુરાવો આપતો કિસ્સો બન્યો છે. પાટણમાં એક મહિલાએ 11 વર્ષની બાળકીને સત્યના પારખા કરાવાયા છે. મહિલા દ્વારા 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવી સત્યતના પારખા કરાવ્યા છે. તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે આ ઘટનાને વખોડતા કહ્યું કે, આવા પ્રકારના ગુનાહિત કૃત્યો આ સરકાર નહિ ચલાવે.
મહિલા દ્વારા વાતની ખરાઈ કરવા બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવડાવ્યા હતા. બાળકી બૂમાબૂમ કરતી રહી, પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ તેના પર અમાનુષી અત્યાચાર કરવાનું ચાલુ કર્યું. હાથના ભાગે દાઝેલ બાળકીને સાંતલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઘટનાને લઈ બાળકીના પિતા દ્વારા મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી છે.
પાટણના સાંતલપુરમાં લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલા ઘરે આવી હતી, તેણે બાળકીને કહ્યું હતું કે, ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ મામલે બાળકીએ ના પાડી હતી. પરંતુ લખીબેન માની ન હતી. તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ હતી અને સત્યના પારખા કરાવવા માટે તેનો હાથ ગરમ તેલમાં નંખાવડાવ્યો હતો.
મહિલાએ બાળકીનો જમણો હાથ ગરમ તેલમાં નાંખ્યો હતો. બાળકીનો કાંડા સુધીનો આખો હાથ દાઝી ગયો હતો. આ જોઈ મહિલા ત્યાંથી ભાગી ગી હતી. બાળકીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેના બાદ બાળકીને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીના પિતાએ લખીબેન મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. સાંતલપુર પીએસઆઈના જણાવ્યા મુજબ પોલીસ જ્યારે તપાસ કરવા માટે પહોંચી ત્યારે આરોપી મહિલા તેના ઘરેથી જ મળી આવી હતી.
પાટણ ઘટના અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, પાટણમાં સત્યના પરખા કરવાની ઘટના દુઃખદ બાબત છે. કૃત્ય કરનાર મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકીની સારવારની સ્થળ તપાસ માટે આદેશ અપાયા છે. સ્થળ તપાસ કરી અહેવાલ પણ માંગવામાં આવ્યો છે. માનસિક અને શારીરિક પીડા આપવાનો કોઈને અધિકાર નથી. બાળકોને લઈ સરકાર સાથે સમાજની પણ જવાબદારી બને છે. તેથી આ ખૂબ અસહ્ય અને ગંભીર બાબત છે. બાળ જાગૃકતાના અભાવને દૂર કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)