Face Of Nation, 26-09-2021 : ગુજરાતના દરિયા કિનારાને ડ્રગ્સનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. અદાણીના હસ્તગત સોંપી દેવામાં આવેલા દેશની સુરક્ષા સમાન દરિયાઈ મુન્દ્રા પોર્ટને દાણચોરીનું મોકળું મેદાન બનાવી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ પકડાયેલા કરોડોના ડ્રગ્સએ અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર ચાલતી ગેરરીતીઓની પોલ ઉઘાડી પાડી દીધી છે પરંતુ સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી ઉપર ચાર હાથ હોવાથી કોઈ કશું ઉખાડી શકતું નથી અને અદાણીને જાણે કે મનફાવે તેમ દેશની સુરક્ષા સાથે પણ ચેડાં કરવાનો પરવાનો મળી ગયો છે.
1,640 KM લાંબો દરિયા કિનારો, 144 નાના મોટા ટાપુઓની સુરક્ષા માટે માત્ર 22 મરીન પોલીસ સ્ટેશન હોવાનો કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ કર્યો છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે, નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત નોંધાતા કેસોમાં ગુજરાતને 2,41,715 કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડી દીધુ છે. દારૂબંધીના અમલમાં નિષ્ફળ રાજ્યની ભાજપ સરકાર ડ્રગ્સને અટકાવવામાં પણ નિષ્ફળતા મળી છે, જેના કારણે ગુજરાતનું યુવાધન નશાની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ બની રહ્યો છે ત્યારે આ અંગે સરકારની નીતિઓ ઉપર સવાલ ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મુંદ્રા-અદાણી પોર્ટ પરથી અફઘાનિસ્તાથી તાલિબાને મોકલેલ ₹21,000 કરોડની કિમતનું 3000 kg ડ્રગ્સ ઝડપાવાથી સમગ્ર દેશમાં ચકચાર છે. પરંતુ ડ્રગ્સ કેસમાં તાલિબાની કનેક્શન છતાં રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી. ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો આ કોઈ પહેલો કેસ નથી. છેલ્લા 5 મહિનામાં રાજ્યની અલગ અલગ જગ્યાએથી અંદાજે ₹24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી ₹150 કરોડની કિમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારબાદ 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાં ₹3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. તાજેતરમાં 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી ₹150 કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે ₹21,000 કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયું. આ તમામ ડ્રગ્સ પાછળ તાલિબાની કનેક્શનનો ખુલાસો થયો હોવા છતાં ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે.
મોઢવાડિયાએ ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં દેશનો સૌથી લાંબા 1,640 KM નો દરિયા કિનારો અને 144 નાના મોટા ટાપુઓ હોવા છતાં તેની સુરક્ષા ભગવાન ભરોશે છે, 1,640 KM લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે માંડ 22 મરીન પોલીસ સ્ટેશન અને 30 ઇન્ટરસેપ્ટર બોટ છે. એટલે એક મરીન પોલીસ સ્ટેશને તોતિંગ 72 KM દરિયા કિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. ગુજરાત કરતા ઘણો ઓછો દરિયા કિનારો અને પાકિસ્તાનથી દુર હોવા છતાં મહારાષ્ટ્ર(44), તમિલનાડુ(42), કર્ણાટક(62) માં વધુ મરીન પોલીસ સ્ટેશન છે. જ્યારે પાકિસ્તાનને અડીને આવેલ ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. પરિણામે પુરતી સુરક્ષાના અભાવે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે.
દરિયા કિનારાને સુરક્ષા પુરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીના કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં તેના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી તે આપણે સહું જાણીએ છીએ. હવે ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું છે. NCRB ના આંકડાઓ મુજબ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત દેશ માં નોંધવામાં આવેલ કેસો પૈકી ગુજરાત 2,41,715 કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે
ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં કોરોનાના એક જ દિવસમાં જ આટલા કેસ આવતાં એપાર્ટમેન્ટને મારી દેવાયું સીલ