Home Uncategorized જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી

Face Of Nation:પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે. જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓ આરોપીઓ હતા. રોજેરોજ કેસ ચલાવી ર૦ જૂન સુધીમાં કેસ પુરો કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી જામનગર કોર્ટે આજે આ ચુકાદો સંભળાવ્યો હતો.

શું હતો કેસ?

1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન ભારત બંધના એલાનના સંદર્ભમાં જામનગરના જોમજોધપુરમાં કર્ફયુ હોવા છતાં તેનો ભંગ કરવા અંગે કુલ 133 શખસોની તે વખતના જામનગર જિલ્લાના એ.એસ.પી. સંજીવ ભટ્ટ સહિતના પોલીસ સ્ટાફે અટકાયત કરીને બેફામ મારકૂટ કરતાં તેમાં પ્રભુદાસ માધવજી વૈશ્નાણીનું કસ્ટડીમાં માર મારવાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ હતું.

આ કેસમાં જામનગરની સેસન્સ કોર્ટમાં રાજયના પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેય અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર એચ.પી. સીંગે કોર્ટના વિટનેશ તરીકે જુબાની આપી હતી. જે કામમાં મુળ ફરીયાદી અમૃતલાલ માધવજી વૈષ્નાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં આ કેસ ડે ટુ ડે ચલાવવા તેમજ તા. ર૦ જૂન પહેલાં આ કેસ પૂર્ણ કરવા આદેશ કરેલ હતો. જે આદેશનું પાલન કરતાં જામનગર સેશન્સ કોર્ટે આજે આ ચૂકાદો સંભળાવ્યો હતો.