દુષ્કાળગ્રસ્ત સુઇગામ વિસ્તારમાં ઘેટા બકરાઓના મોત થતા પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
Face Of Nation:બનાસકાંઠામાં વીજળી પડતા 120 બકરીઓના કરૂણ મોત નિપજ્યા છે. દુષ્કાળગ્રસ્ત સુઇગામ વિસ્તારમાં ઘેટા બકરાઓના મોત થતા પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
બનાસકાંઠા જિલ્લો એક તરફ દુષ્કાળની પરિસ્થિતનો સામનો કરી રહ્યો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય વરસાદ થતા ખેડૂતોને અને પશુપાલકોને કુદરત પાસે સારા વરસાદની અને સારા વર્ષની આશા બંધાઇ હતી પરંતુ આજે સુઈગામ પાસે કુંડાળીયા ગામે ગત મોડી સાંજ ભારે વરસાદ શરૂ થયો હતો. જેમાં ગામના રબારી વાઘાભાઈ સેધાભાઈ, રબારી ચોથાભાઈ સેધાભાઈ, રબારી ભીખાભાઈ મઘાભાઈ, રબારી મેઘરાજભાઈ ડામરાભાઈ, રબારી ગોદાભાઈ ઠાકરસીભાઈ, રબારી ચોથાભાઈ વરજંગભાઈ સહિત માલધારીઓના વાડામાં પશુધન હતું.
તેવા સમયે આકાશમાંથી એકાએક વીજળી ત્રાટકતા એક સામટા 120 જેટલા ઘેટા બકરાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પશુપાલન કરીને ગુજરાન ચલાવતા માલધારી પરિવારોની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આ માલધારી પરિવારોને યોગ્ય સહાય મળે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.જ્યારે આ બનાવની જાણ થતાં જ ગામના માજી સરપંચ કરસનજી રાજપૂત પણ તેમના ઘરે આવી પહોંચ્યા આવ્યા હતા વાલાભાઈ રબારીને સાંત્વના આપી સરકારી સહાય અપાવવા માટે મદદ કરવા જણાવ્યું હતું.