મંદિરના મુખ્ય શિખરની ઉંચાઇ 56 ફૂટને બદલે 49 ફૂટની કરી
ફરી વધારવાની જાહેરાતના બે વર્ષ બાદ પણ જૈસે થેની સ્થિતિ
મંદિરના નવિનીકરણમાં વ્હાઈટ સ્ટોનની જગ્યાએ બ્લેક સ્ટોન વપરાયા
Face Of Nation: મહેસાણા: શક્તિપીઠ બહુચરાજીમાં રૂ.8 કરોડના ખર્ચે નવિનીકરણ કરાયેલા બહુચર માતાજીના મંદિરના બાંધકામમાં વપરાયેલો સફેદ આરસ પહાણ (કોટાસ્ટોન) કાળો પડી ગયો છે. જે અંગે ધારાસભ્યએ મસીએમને રજૂઆત કરી છે. તો મંદિરના શિખરની ઊંચાઇ વધારવાની વિધાનસભામાં ખાતરીના બે વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ કામગીરી નહીં થતાં શ્રદ્ધાળુઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા માટે સીએમ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.
મંદિરમાં વપરાયેલો આરલ કાળો પડવા લાગ્યો
વડોદરાના રાજવી માનાજીરાય ગાયકવાડે 200 વર્ષ પૂર્વે બંધાવેલું બહુચર માતાજીનું દૈદિપ્યમાન મંદિર વર્તમાન શાસકોએ તોડી નવું બનાવવા રૂ.8 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ મંદિરમાં રાજસ્થાનના સફેદ આરસ પહાણનો ઉપયોગ કરાયો છે. મંદિરનું કામ 2015માં પૂર્ણ જાહેર કરાયું તે સમયે સભામંડપની ખામીઓ, ઘુમ્મટ વગેરે ખુલ્લા હોવા સહિતની અનેક ખામીઓ અંગે તત્કાલીન ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલાં લેવાની તૈયારી કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર સામે કંઇ ઉકાળી શક્યા નહતા. 2015માં ફાગણી પૂનમે મંદિરનું એક શિખર ઘસીને નીચે પડવાની ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર અને આર્કિટેકને મંદિરના બાંધકામમાં રહી ગયેલી ખામીઓ નજરોનજર બતાવી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન એવા જિલ્લા ક્લેક્ટરે એક મહિનામાં ખામીઓ દૂર કરવા સૂચના આપી સંતોષ માની લીધો હતો. હવે મંદિરમાં વપરાયેલો સફેદ આરસ કાળો પડવા લાગ્યો છે. જેને લઇ આરસની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઊઠ્યા છે અને જવાબદારો સામે પગલાં લેવા માંગ થઇ રહી છે.
મંદિરમાં વ્હાઇટ સ્ટોનની જગ્યાએ બ્લેક સ્ટોન વાપરી ભ્રષ્ટાચાર કરાયો: ધારાસભ્ય
આ મામલે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું કે, બહુચરાજી મંદિરના બાંધકામમાં વ્હાઇટ સ્ટોનની જગ્યાએ બ્લેક સ્ટોન વાપરી કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો છે. કોન્ટ્રાકટર અને તંત્રની મિલીભગત જણાય છે. સરકારમાં વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં હજુ સુધી લેવાયાં નથી. કામમાં ગેરરીતિ આચરનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવો જોઇએ. આ મામલે મુખ્યમંત્રીને ફરી પત્ર લખ્યો છે.
56 ફૂટના શિખરની ઉંચાઇ 49 ફૂટ કરી નાખી
બહુચરાજી મંદિરના નવિનીકરણમાં મંદિરના મુખ્ય શિખરની ઉંચાઇ 56 ફૂટને બદલે 49 ફૂટની કરી દેવાઇ છે એટલે કે સાત ફૂટ ઘટી હોવાની કબૂલાત બાદ મંદિરની ઊંચાઇ વધારવાની જાહેરાત બે વર્ષ પહેલાં તત્કાલીન યાત્રાધામ વિકાસમંત્રીએ કરી હતી. પરંતુ લોકોની આસ્થા પ્રમાણે ઉંચાઇમાં આજદિન સુધી કોઇ ફેરફાર કરાયો નથી.