અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે ત્યારે બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટાયરને પંચર થતા રોડ ની સાઇડ માં ઊભેલી ટ્રકની પાછળ કાર ચાલક ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
બનાવની વિગતો એવી છે કે અમીર ગઢ નેશનલ હાઇવે ફરી રક્તરંજિત થયો છે. અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી સર્કલ પાસે આજે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. ટાયરને પંચક થતાં એક ટ્રક રોડની સાઈડમાં ઊભો હકતો તે સમયે રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઉલ્લેખનીય છે કે અમીરગઢ નેશનલ હાઈવે પર છેલ્લા દસ દિવસમાં આ ચોથો અકસ્માત સર્જાયો હતો.