Home Religion બુઝુર્ગ ગામે 421 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયાં અને શિવાનંદ પંડ્યાએ “જય...

બુઝુર્ગ ગામે 421 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયાં અને શિવાનંદ પંડ્યાએ “જય આદ્યા શક્તિ,..” આરતીનું લેખન કર્યું

Face Of Nation, 07-10-2021 (રોહિતભાઈ શાસ્ત્રી દ્વારા) : નવરાત્રીમાં માં અંબાના ગરબાની શરૂઆત અને અંત “જય આદ્યા શક્તિ, માં જય આદ્યા શક્તિ,..” આરતીથી કરવામાં આવે છે. સૌ લોકોને કંઠસ્થ આ આરતીના લેખક અને તે ક્યારે અને કેવી રીતે લખાઈ તે ભાગ્યે જ કોઈ જાણતા હશે. આજથી 421 વર્ષ પહેલા નર્મદા તટે માં અંબે પ્રગટ થયા અને શિવાનન્દ વામદેવ પંડ્યાએ “જય આદ્યા શક્તિ,.” આરતીનું લેખન કર્યું.
ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય. એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા માઁ લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી.
શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે માં અંબાની આરતીનું લેખન કર્યું છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે માંડવા બુઝુર્ગ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને માં અંબાનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ અને પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવન પર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા ‘સ્વામી શિવાનંદ’ તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 421 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી. સદાશિવ પંડ્યાએ નર્મદા તટે રામનાથ ઘેલા મંદિરમાં ભક્તિ કરવાની શરૂઆત કરી હતી. એવા સમયમાં એક દિવસ ત્યાં એક સંત આવ્યા અને સદાશિવની ભક્તિથી પ્રસન્ન થઇ વરદાન આપ્યું. પરિણામે, સરસ્વતી તેમની જીભે વસ્યાં. તેમણે સંસ્કૃતમાં ગ્રંથો રચ્યા અને મંત્ર-તંત્ર વિદ્યામાં સિદ્ધિ મેળવી.
સદાશિવ જ્યારે મૃત્યુ શૈયા પર હતા ત્યારે તેમણે તેમના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને બોલાવી પૂછ્યું કે તમારે લક્ષ્મી જોઇએ છે કે સરસ્વતી? તેમના બે પુત્રોએ લક્ષ્મી માગી, પણ શિવાનંદે કહ્યું, તમને જે યોગ્ય લાગે એ આપો. આ સાંભળી પ્રસન્નતા અનુભવી કાકા સદાશિવે ભત્રીજા શિવાનંદને પંચાક્ષરી મંત્રનો ઉપદેશ કર્યો અને કહ્યું કે તારી પ્રસિદ્ધિ થશે. તું ભક્તિ માર્ગની પ્રશસ્તિ કરતો રહેજે અને આપણા રામનાથ ઇષ્ટનું પૂજન કરતો રહેજે. શિવાનંદે આદેશ સ્વીકારી લીધો અને શિવની આરાધના કરી અને ભાગવતકથાઓ પણ કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

બુઝુર્ગ ગામે 421 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયાં અને શિવાનંદ પંડ્યાએ “જય આદ્યા શક્તિ,..” આરતીનું લેખન કર્યું