Home News રાજકોટમાં 1 લાખ લોકોએ કર્યા યોગ ,800થી વધુ મહિલાઓના અજાયબ એક્વાયોગ

રાજકોટમાં 1 લાખ લોકોએ કર્યા યોગ ,800થી વધુ મહિલાઓના અજાયબ એક્વાયોગ

મંત્રી જયેશ રાદડિયા, પોલીસ કમિશનર અને મનપા કમિશનરે યોગ કર્યા

રાજકોટ: આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે દેશભરમાં વહેલી સવારે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. રાજકોટમાં મુખ્ય પાંચ મેદાનોમાં 1 લાખથી વધુ લોકોએ યોગ કર્યા હતા. તેમજ શહેરના પાંચ સ્વિમિંગ પુલમાં 800થી વધુ મહિલાઓએ પાણીમાં એક્વા યોગ કર્યા હતા.

રેસકોર્સ મેદાનમાં હજારો લોકોએ યોગ કર્યા

શહેરના રેસકોર્સ મેદાનમાં મંત્રી જયેશ રાદડિયા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મનપા કમિશનર બંછાનીધી પાની અને લોકગાયક કિર્તીદાન ગઢવીએ યોગ કર્યા હતા. તેઓની સાથએ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા તો સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંતો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. મહિલાઓએ સતત ત્રીજા વર્ષે પાણીમાં એક્વા યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

સફાઇ કામદારોથી માંડી રીક્ષા ચાલકોએ યોગ કર્યા

રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં 400 કરતા વધુ લોકોએ યોગ કર્યા હતા. જેમાં સફાઇ કામદાર, શ્રમિકો, રીક્ષા ચાલકોએ યોગ દિનની ઉજવણી કરી હતી. જેમાં વી.ડી. પારેખ બહેરા-મુંગા શાળાના બાળકો પણ જોડાયા હતા. સૌરાષ્ટ્રમાં રાજકીય નેતાઓથી માંડી સરકારી અધિકારીઓએ વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી. રાજકોટ – વિશ્વ યોગ દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટ ખાતે 2500 વિદ્યાર્થીઓ સંતો અને શિક્ષકમિત્રોએ યોગ કર્યા હતા. રાજકોટ ગુરુકુળના યોગાચાર્ય પ.પૂ. શ્રી યોગદર્શન સ્વામીએ યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ કહ્યા હતા.

સ્વામિનારાયણ ગુરૂકુળમાં 2500 વિદ્યાર્થીઓએ યોગ કર્યા

રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયમાં 2500 વિદ્યાર્થીઓ, સંતો અને શિક્ષકોએ યોગ દિનની ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો લોગો બનાવ્યો હતો. તેમજ ગુરુકુળના યોગાચાર્ય યોગદર્શન સ્વામીએ યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ જણાવ્યા હતા.

ગોંડલમાં યોગ દિવસની ઉજવણી કરાઇ

ગોંડલમાં સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, એશિયાટિક કોલેજ, મહિલા કોલેજ, તન્ના સ્કૂલ, રાજપૂત સમાજની વાડી સહિત વિવિધ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ યોગમાં વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, વાલીઓ, પોલીસ અધિકારીઓ, યુવાનો અને શહેરીજનો સહિત આશરે પંદર હજાર જેટલા લોકો જોડાયા હતા.