Face Of Nation, 19-10-2021: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ અંતર્ગત તા. ૨૨ ઓકટોબર-ર૦ર૧ થી પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.
આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.
સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે. તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.
મુખ્યમંત્રીએ આ નેમને સાકાર કરવાના જનહિત અભિગમથી સેવાસેતુના આ સાતમા તબક્કાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓને પણ આ સેવાસેતુ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓના આયોજનથી ર.૩૦ કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)