Face Of Nation, 20-10-2021: ચીન-તાઇવાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાઇવાને અમેરિકા પાસેથી મદદ માંગી હતી, ત્યારબાદ યુદ્ધ જહાજો અમેરિકા અને કેનેડાના રસ્તે મોકલવામાં આવ્યા છે. તેના કારણે ચીનનો ગુસ્સો વધ્યો છે. ચીને પોતાની સેનાને હાઈ એલર્ટ પર રહેવા કહ્યું છે. અમેરિકાના આ પગલા બાદ ચીને કહ્યું કે બંને દેશોની આ ઉશ્કેરણીજનક ક્રિયાઓએ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ગંભીર રીતે જોખમમાં મુકી છે. ચીન આ વિસ્તારનો દાવો કરે છે, જ્યાંથી પસાર થવા માટે તે ચીની મંજૂરીને જરૂરી માને છે.
ચાઇનીઝ પીએલએ ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા સિનિયર કર્નલ શી યીએ જણાવ્યું હતું કે, “અમે અમારી નૌકાદળ અને વાયુસેનાને બે યુદ્ધ જહાજોને ટ્રેક અને મોનિટર કરવા મોકલ્યા છે.” સિનિયર કર્નલ શી યીએ આગ્રહ કર્યો કે તાઇવાન ચીનનો ભાગ છે. તેમણે કહ્યું કે અમે હંમેશા હાઇ એલર્ટ પર છીએ. તમામ ધમકીઓ અને ઉશ્કેરણીઓનો સામનો કરવા માટે તૈયાર છે.
1 થી 5 ઓક્ટોબર વચ્ચે, ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના લગભગ 150 લશ્કરી વિમાનોએ તાઇવાનના હવાઇ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. તાઇવાનના સ્થાનિક અખબાર અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં બેઇજિંગથી તાઇવાનની આ સૌથી મોટી ઘૂસણખોરી હતી. ચીને ઝડપથી પોતાની સેનાનું આધુનિકરણ કર્યું છે. ડ્રેગન દાવો કરે છે કે તાઇવાન તેનો એક ભાગ છે અને તાઇવાન તેમાં માનતું નથી અને તાઈવાન લોકશાહીમાં વિશ્વાસ રાખે છે.