કાર આગળ જતાં ડાલાની પાછળ ઘૂસી જતાં ચાલક મૂકીને નાસી ગયો
Face Of Nation:કડીના થોળ રોડ પરથી પસાર થતા ડાલાને એન.કે. ઈન્ડસ્ટીઝ આગળ સેન્ટ્રો ગાડી અથડાતાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતને પગલે ગાડીચાલક ભાગી ગયો હતો. કડી પોલીસે પાંચ કોથળા ભરીને 238 કિલો ગૌમાંસ ભરેલી ગાડી જપ્ત કરી શુક્રવાર સાંજે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી પોલીસની રહેમનજરે શહેરમાં કસાઈઓ મૂગાં પશુઓની ચોરી કરી ખુલ્લેઆમ કતલખાનાં ચલાવી રહ્યા છે.
ગુરૂવારે મધરાતે કસાઈ ગૌવંશની હત્યા કરી સેન્ટ્રો કાર (GJ 01 HF 453)માં 238 કિલો ગૌમાંસ ભરીને શહેરના થોળ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે દશા માતાજી મંદિર નજીક એન.કે. ઈન્ડસ્ટીઝ પાસે સેન્ટ્રો કારના ચાલકે આગળ જઈ રહેલા ડાલા (GJ 02 XX 2539)ની પાછળ ઘૂસી ગઇ હતી. જેને લઈ આસપાસના લોકો ભેગા થઈ જતાં કારચાલક કાર મુકી નાસી ગયો હતો.
કારમાંથી અસહ્ય દુર્ગંધ મારતાં લોકોએ ચકાસતાં માંસ ભરેલા પાંચ કોથળા જોવા મળતાં કડી પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે કાર કબજે લઈ એફએસએલની મદદથી માંસ ચકાસતાં તે ગૌમાંસ હોવાનું ખુલ્યું હતું. જે અંગે કડી પોલીસ મથકે ડાલાના ચાલક સલાટ મેહુલ ઈશ્ર્વરભાઈએ સેન્ટ્રો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.