Home News નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનના પુરાવા આપ્યા, દેવેન્દ્ર ફડણવીસનો મોટો...

નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનના પુરાવા આપ્યા, દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો

Face Of Nation, 09-11-2021: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનનો ખુલાસો કર્યો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન ખુલાસો કરી રહ્યો છું. સલીમ પટેલ દાઉદનો સહયોગી છે. અંડરવર્લ્ડ પાસેથી જમીન ખરીદવામાં આવી.

તેમણે કહ્યું કે નવાબ મલિકના અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધ છે. દાઉદ ઈબ્રાહિમ 1993 બોમ્બ વિસ્ફોટનો આરોપી છે. સરદાર શાહવલી ખાન અને હસીના પારકરનો નીકટનો ગણાતો સલીમ પટેલના નવાબ મલિક સાથે વ્યવસાયિક સંબંધ છે. આ બંનેએ નવાબ મલિકના સંબંધીની એક કંપનીને કરોડોની જમીન કોડીના ભાવે વેચી. નવાબ મલિક પણ આ કંપની સાથે થોડા સમય માટે જોડાયેલા હતા. કુર્લા એલબીએસ રોડ પર 3 એકર જમીન ફક્ત 20-30 લાખ રૂપિયામાં વેચવામાં આવી જ્યારે માર્કેટ પ્રાઈસ 3.50 કરોડથી વધુ હતી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુંબઈના ગુનેહગારો પાસેથી જમીન કેમ ખરીદી? આવી બધી મળીને 5 પ્રોપર્ટી છે જેમાંથી 4માંતો 100 ટકા અંડરવર્લ્ડની ભૂમિકા હતી. આ તમામ પુરાવા એનસીપીના શરદ પવારને પણ આપવામાં આવશે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં બે નામ ગણાવ્યાં જેમાં સરદાર શાહવલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરાયો. તેમણે કહ્યું કે સરદાર શાહવલીને 1993 બ્લાસ્ટ મામલે આજીવન કેદની સજા થઈ. તે હજુ પણ જેલમાં છે. બોમ્બ વિસ્ફોટની તેને જાણકારી હતી. ગાડીઓની અંદર વિસ્ફોટકો ભરનારા લોકોમાં પણ તે સામેલ હતો. તેણે ટાઈગર મેમણને સહયોગ  કર્યો હતો.  આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ મહાનગર પાલિકામાં બોમ્બ  ક્યાં રાખવાના છે તેની રેકી કરી હતી. તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં RDX લોડ કરાવ્યો હતો.

બીજા વ્યક્તિ મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘તે દાઉદ ઈબ્રાહિમનો માણસ હતો. ફડણવીસે તેને હસીના પારકરનો ડ્રાઈવર, બોડીગાર્ડ ગણાવ્યો. પૂર્વ સીએમએ કહ્યું કે હસીના પારકર જ્યારે 2007માં અરેસ્ટ થઈ તો સલીમ પટેલ પણ અરેસ્ટ થયો હતો. રેકોર્ડથી જાણવા મળ્યું કે દાઉદના ફરાર થયા બાદ હસીનાના નામથી સંપત્તિઓ ભેગી થતી હતી. તેમાં સલીમનો રોલ મહત્વનો હતો. સંપત્તિઓની પાવર અટોર્ની તેના નામે લેવાતી હતી. આ સલીમ પટેલ હસીનાના તમામ બિઝનેસ (જમીન કબજા)નો પ્રમુખ હતો.’

દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે કુર્લામાં એક 3 એકર જગ્યા છે. તેને ગોવાવાલા કમ્પાઉન્ડ કહે છે. આ જગ્યા LBS રોડ પર છે. જે ખુબ મોંઘો વિસ્તાર છે. આ જમીનની એક રજિસ્ટ્રી સોલિડસ નામની કંપનીના નામે થઈ જે નવાબ મલિકના પરિવારની છે. ફડણવીસે કહ્યું કે તેનું વેચાણ સરદાર શાહ વલીખાન અને સલીમ પટેલે કરી હતી. જમીન સોલિડસ કંપનીને વેચવામાં આવી. આરોપ લગાવવામાં આવ્યો કે આ કંપની નવાબ મલિકના પરિવારની છે. જેનો માલિક ફરાઝ મલિક છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું કે જમીનની કિંમત ખુબ વધુ હતી આમ છતાં તેને 30 લાખમાં ખરીદવામાં આવી જેમાંથી ફક્ત 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા.

આગળ ફડણવીસે પૂછ્યું કે નવાબ મલિક જણાવે કે જ્યારે ડીલ સમયે (2005) તેઓ મંત્રી હતા તો ડીલ કેવી રીતે થઈ? મુંબઈના ગુનેહગારો પાસેથી જમીન કેમ ખરીદી? પૂર્વ સીએમએ વધુમાં કહ્યું કે આ દોષિતો પર તે સમયે ટાડા લાગ્યો હતો. કાયદા મુજબ ટાડાના દોષિતોની સંપત્તિ સરકાર જપ્ત કરી લે છે. શું ટાડાના આરોપીની જમીન જપ્ત ન થાય, એટલે તે તમને ટ્રાન્સફર કરવામાં આવી?(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)