ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ કોલકાતામાં 6 જુલાઈ, 1901નાં રોજ અને નિધન 23 જૂન, 1953નાં રોજ શ્રીનગરમાં થયું હતું
ડૉ. મુખર્જીએ 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી, જે બાદમાં ભારતીય જનતા પાર્ટી બની
Face Of Nation:નવી દિલ્હીઃ જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું 23 જૂન, 1953નાં રોજ શ્રીનગરમાં નિધન થયું હતું. તેમના મોતનું કારણ આજે પણ એક રહસ્ય છે. તેમની પુણ્યતિથિએ રવિવારે ભાજપ મુખ્યાલયમાં ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી.
આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે, “શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસ થવી જોઈતી હતી. દેશની જનતાએ પણ માગ કરી હતી, પરંતુ ત્યારના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આવું ન થવા દીધું. ઈતિહાસ આ વાતનો સાક્ષી છે. ભાજપ તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલે.”
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડૉ. મુખર્જીની પુણતિથિ મનાવવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, “તૃણુમૂલને સમજાય ગયું કે દેશમાં હિંદુત્વથી જીતવા માટે બંગાળી તરીકે ઓળખ માત્ર પૂરતી નથી, તેથી જ તેઓ હવે ડૉ. મુખર્જીને પોતાના નેતા બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.” કેન્દ્ર સરકારે કોલકાતાના કેયોરતલા બર્નિંગ ઘાટ પર ડૉ. મુખર્જીની પુણ્યતિથિ ઉજવી.
મુખર્જીનું મોત રહસ્યમયી સ્થિતિમાં થયું હતું: ડૉ. મુખર્જીનો જન્મ 6 જુલાઈ, 1901નાં રોજ કોલકાતામાં થયો હતો. તેમનો સંકલ્પ જમ્મુ કાશ્મીરને ભારતનું પૂર્ણ અને અભિન્ન અંગ બનાવવાનું હતું. તેઓએ સંસદમાં પોતાના ભાષણમાં ધારા 370ને સમાપ્ત કરવાની દલીલ કરી હતી. ડૉ. મુખર્જી પોતાના સંકલ્પને પૂરાં કરવા માટે 1953માં મંજૂરી વગર જમ્મુ કાશ્મીરની યાત્રાએ ગયા હતા. ત્યાં પહોંચ્તા જ તેમની ધરપકડ થઈ અને નજરકેદ કરાયા હતા. 23 જૂન રહસ્યમયી રીતે તેમનું મોત નિપજ્યું હતું.