અગાઉ પર દબાણો હટાવ્યા હતા પણ ફરીથી દબાણ કરી દેવાયા
Face Of Nation:વડોદરા: મહાનગરપાલિકા દ્વારા આજે અતિ સંવેદનશીલ મનાતા વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરાના 18 મીટરના રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા નોટિસો આપ્યા બાદ કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કરી દીધા હતા. નોંધનીય છે કે, આ રોડ ઉપર અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પાલિકાએ દબાણો હટાવીને મુખ્ય માર્ગને ખુલ્લો કર્યો
પાણીગેટ ગંજખાનાથી મહાદેવ તળાવ તરફ જતાં બાવામાનપુરાના 18 મીટરના રોડ ઉપર તાજેતરમાં વ્યાજના ધંધા બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દૂર કરવા માટે સ્થાનિક લોકોને નોટિસો આપવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા બાદ કેટલાંક દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે પાલિકાની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાકી રહેલા દબાણો દૂર કર્યા હતા. અને મુખ્ય માર્ગને ખુલ્લો કર્યો હતો.
ફરીથી દબાણો થવાની શક્યતા
નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આ રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ આ રોડનો વધુ વપરાશ ન હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા દબાણો કરી દેવામાં આવે છે. આજે ભલે કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા. પરંતુ આ રોડનો વપરાશ નહીં થાય તો આગામી દિવસોમાં ફરીથી દબાણો થઇ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.