Home Uncategorized કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ 26/11 મુંબઇ હુમલાને લઇ ઉઠાવ્યા સવાલ, મનમોહન સરકાર...

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ 26/11 મુંબઇ હુમલાને લઇ ઉઠાવ્યા સવાલ, મનમોહન સરકાર પર લગાવ્યો મોટો આરોપ

Face Of Nation, 23-11-2021: કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ પોતાના પુસ્તકમાં મુંબઈ હુમલા બાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ તત્કાલિન મનમોહન સરકારની આકરી ટીકા કરી છે. પોતાના પુસ્તકમાં મનિષ તિવારીએ લખ્યું કે મુંબઈ હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપવો જોઈતો હતો અને ડોકલામ વિવાદ ટાળી શકાય તેમ હતું. તેમણે એમ પણ લખ્યું કે કાર્યવાહી ન કરવી એ નબળાઈની નિશાની છે. તેમણે લખ્યું કે 26/11 હુમલા બાદ કડક કાર્યવાહી જરૂરી હતી. શબ્દો કરતા વધુ કડક કાર્યવાહી જરૂરી હતી.

મનિષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે ‘એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મારું ચોથું પુસ્તક જલદી બજારમાં આવશે. 10 ફ્લેશ પોઈન્ટ, 20 વર્ષ- રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિઓ જેણે ભારતને પ્રભાવિત કર્યું. આ પુસ્તક ગત બે દાયકામાં ભારત સામે આવેલા મોટા રાષ્ટ્રીય સુરક્ષા પડકારો પર છે.’

મુંબઈ હુમલા પર મનિષ તિવારીએ કહ્યું કે ‘એક એવું રાષ્ટ્ર જેણે સેંકડો નિર્દેોષ લોકોને મારવામાં કોઈ પરેશાની થતી નથી, તેના માટે સંયમ દેખાડવો તાકાતની નિશાની નથી. તેને એક નબળાઈ તરીકે જોવામાં આવે છે. ક્યારેક ક્યારેક એવો પણ સમય આવે છે કે જ્યારે શબ્દો કરતા વધુ કાર્યવાહી પર ધ્યાન આપવું જોઈએ. 26/11 કઈક એવો જ સમય હતો જ્યારે આમ કરવું જરૂરી હતું. આથી મારા મત મુજબ ભારતે 26/11 બાદ એક કડક કાર્યવાહી કરવી જરૂરી હતી.’

મનિષ તિવારીએ કહ્યું કે જુલાઈ 2018માં મોદી સરકારના રક્ષા અને નાણામંત્રીએ નાણાકીય મુશ્કેલીઓના કારણે ચીન વિરુદ્ધ માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને બનાવવાની યોજના રદ કરી નાખી. LAC પર વધતા તણાવના કારણે ડોકલામ થયું, પરંતુ તેને 2017માં જ રોકી શકાય તેમ હતું. જો માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ બનાવવામાં આવત, તેમને ટ્રેનિંગ અપાત અને જો સારી રીતે તેમનો ઉપયોગ થાત. માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને રદ કરવું આ સરકારની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મોટી ભૂલ હતી.

મનિષ તિવારીના પુસ્તકમાં કહેવાયેલી વાતોને લઈને ભાજપે પણ હવે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે મનિષ તિવારીએ 26/11 બાદ યુપીએ સરકારની નબળાઈની બરાબર ટીકા કરી છે. તેમણે લખ્યું કે એર ચીફ માર્શલ ફલી મેજરે પણ કહ્યું હતું કે આ હુમલા બાદ વાયુસેના કાર્યવાહી કરવા માંગતી હતી પરંતુ યુપીએ સરકારે એવું થવા દીધુ નહતું.

પુનાવાલાએ આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ તે સમયે 26/11 માટે હિન્દુઓને જવાબદાર ઠેરવવા અને પાકિસ્તાનને બચાવવામાં વ્યસ્ત હતી. પુનાવાલાએ એમ પણ લખ્યું કે હિન્દુત્વ, 370 અને સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ સતત પાકિસ્તાનની ભાષા જ બોલે છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ જણાવવું જોઈએ કે જેવી કાર્યવાહી ઉરી અને પુલવામા હુમલા બાદ થઈ તેવી કાર્યવાહી 26/11 બાદ કરવા માટે કોણે અને કેમ રોક્યા? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)