Home News કિંમત ચુકવ્યા વગર જ દુકાનમાંથી સામાન ખરીદવાના આરોપસર એર ઇન્ડિયાના પાયલોટની નોકરીમાંથી...

કિંમત ચુકવ્યા વગર જ દુકાનમાંથી સામાન ખરીદવાના આરોપસર એર ઇન્ડિયાના પાયલોટની નોકરીમાંથી હકાલપટ્ટી

સિનિયર પાયલોટ ભસીન ઈસ્ટર રિજનના રીજનલ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવતા હતા.

Face Of Nation:એર ઈન્ડિયાના સિનિયર કમાન્ડર રોહિત ભસીનને સિડની એરપોર્ટ પરથી દુકાનમાંથી સામાન ચોરવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રોહિત ભસીન પર ડયુટી ફ્રી શોપમાંથી પર્સ ચોરવાનો આરોપ અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સિનિયર પાયલોટ ભસીન ઈસ્ટર રિજનના રીજનલ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવતા હતા. સસ્પેન્શન સાથે જ ભસીન પર અમુક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે જેમાં તેઓ મંજૂરી વગર એર ઈન્ડિયાના પરિસરમાં પ્રવેશ નહીં કરી શકે, લેખિત મંજુરી વગર કોલકાતા સ્ટેશન નહીં છોડી શકે અને તેમને નિર્વાહ ભથ્થા સિવાય અન્ય કોઈ લાભ નહીં મળે.

એર ઈન્ડિયાના ડિરેક્ટર અમૃતા શરણે તેમને સસ્પેન્શન ઓર્ડર મોકલ્યો હતો જેમાં લખ્યું છે કે, ‘ઓસ્ટ્રેલિયાના રિજનલ મેનેજરના કહેવા પ્રમાણે તમે કિંમત ચુકવ્યા વગર જ દુકાનમાંથી સામાન ખરીદ્યો છે. તમે એઆઈ ૩૦૧ના પાયલોટ છો. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર અનુશાસનાત્મક કાર્યવાહી કરીને આ કેસની તપાસ કરવામાં આવશે અને તમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે.’
શનિવારે ભસીન સિડનીથી દિલ્હીની ફ્લાઈટ લઈને આવવાના હતા તે સમયે ફોનના માધ્યમથી તેમને પોતે દાદા બની ગયા હોવાના સમાચાર મળ્યા હતા.

આ કારણે થોડો સમય હતો તેનો ઉપયોગ ભેટ ખરીદવા કરવા માટે તેઓ ડયુટી ફ્રી શોપમાં પહોંચી ગયા હતા. પાયલોટે પોતાના બચાવમાં એર ઈન્ડિયાને જણાવ્યું કે, ‘દાદા બન્યાના સમાચારને કારણે પોતે ખૂબ ખુશ હતા અને ફ્લાઈટ રવાના થાય તે પહેલા વહુ માટે ભેટ ખરીદવા ગયા હતા. વસ્તુ લીધા બાદ મોડું થતું હોવાથી ઉતાવળમાં કિંમત ચુકવવાનું ભૂલી ગયા હતા.