Face Of Nation:ઉત્તર ગુજરાતમાં રવિવાર બપોર પછી હવાનું નબળુ દબાણ સર્જાતાં મધરાત્રે ગાજવીજ સાથે 21 તાલુકાઓમાં સામાન્યથી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. રવિવારે રાત્રે તલોદ અને પ્રાંતિજમાં 2 ઇંચ, દિયોદરમાં પોણા બે ઇંચ અને મહેસાણાના કડીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સોમવારે દિવસ દરમિયાન શંખેશ્વર, વડગામ અને સતલાસણામાં 3થી 7 મીમી વરસાદ પડ્યા બાદ સાંજે 6 વાગ્યા બાદ પોશીના અને વડાલીમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
રાત્રીના વરસાદના કારણે સોમવારે હવાનું દબાણ ફરી સામાન્ય થતાં વરસાદી માહોલ વિખરાયો હતો. સોમવારે બપોર પછી અત્યાર સુધી વરસાદથી દૂર રહેલાં શંખેશ્વર પંથકમાં સિઝનનો પ્રથમ 7 મીમી વરસાદ નોંધાયો હતો. તો વડગામ અને સતલાસણામાં 3-3 મીમી, જ્યારે સાંજે 6 વાગ્યા બાદ પોશીના અને વડાલીમાં 1 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉ.ગુ.નો મોટાભાગનો વિસ્તાર વાદળછાયો રહેશે. તેમ છતાં ભારે કે સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા ઘણી ઓછી છે. પાંચેય જિલ્લામાં છુટાંછવાયાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
7 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ રહ્યો
રવિવારે મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન વચ્ચે તલોદ અને પ્રાંતિજમાં 2 ઇંચ, દિયોદરમાં પોણા બે ઇંચ, અમીરગઢ, બાયડ અને મોડાસામાં દોઢ ઇંચ સુધી તેમજ હિંમતનગરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
14 તાલુકાઓમાં સામાન્યથી પોણો ઇંચ વરસાદ
હારિજ અને માલપુરમાં પોણો ઇંચ, મેઘરજમાં અડધો ઇંચ, વિજાપુરમાં 11 મીમી, વિજયનગરમાં 10 મીમી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઉપરાંત ભિલોડા, ખેડબ્રહ્મા, ચાણસ્મા, દાંતીવાડા, ડીસા, દાંતા, ભાભર, વાવ અને ધનુસરા તાલુકામાં 2 મીમીથી 9 મીમી સુધી વરસાદ વરસ્યો હતો.
વરસાદ બાદ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટ્યું
રવિવારે રાત્રે થયેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 5 શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 3 ડિગ્રી સુધીના ઘટાડાના કારણે મહેસાણાનું 36.5 ડિગ્રી, પાટણનું 37.8 ડિગ્રી, ડીસાનું 38.0 ડિગ્રી, ઇડરનું 37 ડિગ્રી અને મોડાસાનું 33.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કડીના થોળ રોડ પર પાણી ભરાયાં
કડી પંથકમાં રવિવારે રાત્રે બે વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્રણ ચાર દિવસથી ગરમીના કારણે પરેશાન કડી પંથકમાં 23 મીમી વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, રાત્રે થયેલા એક ઈંચ વરસાદથી શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. થોળ રોડથી નાનીકડી તરફ જવાના માર્ગે કીરા કેમિકલ કંપની પાસે જાહેર માર્ગ પર તેમજ છત્રાલ રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી પડી હતી. રવિવારના 23 મીમી સાથે સિઝનનો કુલ 88 મીમી વરસાદ નોંધાયો છે.