ત્રિપુટી પૈકી રક્ષિત પટેલની ધરપકડ
વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ પાલિકાએ સીલ કરી હતી
Face Of Nation: કરોડિયાના ઇજનેરની પત્નીને કેનેડાના વિઝા અપાવવાના બહાને સયાજીગંજ પેરેડાઇઝ કોમ્પ્લેક્ષ સ્થિત વિઝા કન્સલ્ટન્સીના ત્રણ શખ્સોએ રૂા.1.80 લાખ પડાવ્યા હતાં. આ ટોળકીએ ઇજનેરના મિત્ર સહિત 8 લોકો પાસેથી રૂા. 10 થી 12 લાખની ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે. જે પૈકી બે મિત્રોની રૂા. 3.60 લાખની છેતરપિંડીની ફરિયાદ થતાં સયાજીગંજ પોલીસે સૂત્રધારની ધરપકડ કરી છે. ઓફિસ કોર્પોરેશને સીલ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મૂળ અમદાવાદ ઘાટલોડિયાના અને હાલ કરોડિયા રોડ લાભ રેસીડન્સી-1માં રહેતા પ્રેમસાગર મિલિન્દ મિસ્ત્રી સારાભાઇ કંપાઉન્ડ સ્થિત ખાનગી કંપનીમાં ફિલ્ડ સપોર્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2016માં ગોરવાના મિત્ર દર્શન વ્યાસે સયાજીગંજ પેરેડાઇઝ કોમ્પ્લેક્ષ સ્થિત પ્રથમ કન્સલ્ટન્સીની ઓફિસમાં ન્યૂ સમા રોડ રાજલક્ષ્મીપાર્ક સોસાયટીનો રક્ષિત ગૌતમ પટેલ, માંજલપુર બાળ ગોપાળ સોસાયટીનો અંકિત કનૈયાલાલ સુથાર અને તાંદલજાનો આસીફ અલી શેખ વિઝાનું કામ કરતા હોવાનું જણાવતાં ઇજનેર તેની પત્નીના કેનેડાના વિઝા માટે ઓફિસમાં ગયા હતાં.
પોલીસે કરી એક આરોપીની ધરપકડ
અંકિત સુથારે કેનાડા વિઝાની પ્રોસેસ ફીના રૂા. 10 હજાર આપવા કહી 6 મહિનામાં વિઝા અપાવવાનું કહ્યું હતું. તેમણે સપ્ટેમ્બર 2016માં ફાઇલ પ્રોસેસ કરાવ્યા બાદ બીજા મહિને ઓફિસની દિપાલી અભિચંદાએ કોલ કરી એલ.એમ.આઇ.એ. વિઝા ફી પેટે રૂા. 1.80 લાખની માગણી કરી હતી. તેમણે રૂપિયા આપી ફાઇલ જનરેટ કરાવ્યા પછી દોઢ વર્ષનો સમય થવા છતાં વિઝા બાબતે ત્રણે કોઇ જવાબ આપતા ન હતા. તેમણે રૂપિયા પરત માગતાં ઓફિસ બંધ કરી નાસી ગયા હતા. આ ત્રિપુટીએ ગોરવાના મિત્ર બલીરામ ગણેશ ચીદ્રાવાર પાસેથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી રૂા. 1.80 લાખ પડાવી લેતાં કુલ રૂા. 3.60 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રિપુટી પૈકી રક્ષિત પટેલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ 8 લાકો પાસેથી 10 થી 12 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.