હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે રિસોર્ટના માલિક દ્વારા નદી પર બનાવવામાં આવી રહેલા પુલની કામગીરી તંત્રે અટકાવી દીધી છે. અને રિસોર્ટ માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરવાનગી મેળવ્યા વીના ગેરકાયદેસર બાંધકામ થતું હતું
Face Of Nation:પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે રિસોર્ટના સંચાલકો દ્વારા નદીના કોતરમાં ગેરકાયદે પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ કામગીરીને લઇને શિવરાજપુરના વેપારીએને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ વેપારીએ નદીમાં બની રહેલા પુલની પરવાનગી મેળવ્યા વીના ગેરકાયદેસર બાંધકામ કરાતું હોવાથી કાયદેસરના પગલાં ભરીને કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ જિલ્લા કલેક્ટર, ટીડીઓ, પ્રાંત મામલતદાર અને શિવરાજપુર પંચાયતમાં આપી હતી. એક માસ અગાઉ હાલોલ ટીડીઓ અને તલાટી દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી.
ધમકી બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
શિવરાજપુર વિસ્તારમાં ઠેર ઠેર રિસોર્ટના રાફડા ફાટ્યા છે, ત્યારે શિવરાજપુર મોજે સર્વે નં-17 મેઘનાબેન અમીધર ટેલરના નામે આવેલ છે. આ જમીનમાં રિસોર્ટ બનવાની કામગીરી ચાલુ છે. રિસોર્ટમાં આવન જાવનના મુખ્ય માર્ગમાં વચ્ચે આવતા કોતર અને શિવરાજપુર સર્વે નં-125 કે જે શ્રી સરકાર થયેલ જમીન આવેલી છે. આ કોતરમાંથી પ્રસાર થવા માટે રિસોર્ટ માલીક દ્વારા કોઇપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર કોતરની સરકારી જમીનમાં પુલની બનાવવાનું શરૂ કરી દેવાતા શિવરાજપુરના વેપારી મનોજ નરેન્દ્રભાઈ શાહે પૂછ્યું હતું કે, તેમને પુલના બાંધકામની મંજૂરી લીધી છે કે, નહીં તેની તપાસ કરતા તું કોણ પૂછવાવાળો છે, તેમ કહી મનોજ ભાઈની દુકાને ધર્મેશ પટેલ નામનો ઇસમ આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મનોજભાઈએ તેના વિરુદ્ધ પાવાગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ધર્મેશ પટેલ સામે અટકાયતી પગલાં લીધા હતા. ત્યારબાદ જિલ્લા કલેકટરના આદેશ બાદ હાલોલ ટીડીઓને મોકલી કામ બંધ કરાવવામાં આવ્યું હતું.