Home News દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘસવારી,તાપીના સોનગઢમાં 2 કલાકમાં 3 ઈંચ...

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘસવારી,તાપીના સોનગઢમાં 2 કલાકમાં 3 ઈંચ વરસતા તરબોળ

સવારથી સુરતમાં ધીમીધારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં 18 તાલુકામાં વરસાદ

Face Of Nation:સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સવારે બે કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાલોડમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગત રોજ તાપી જિલ્લાના નિઝરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે નિઝરમાં વરસાદ નોંધાયો નથી.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં 67 મિમિ પડ્યો છે. વાલોડમાં 34 મિમિ, પલસાણામાં 26 મિમિ, ડોલવણમાં 20 મિમિ, વાંસદામાં 17 મિમિ, માંડવીમાં 16 મિમિ, ઓલપાડમાં 16 મિમિ, ઉમરપાડામાં 16 મિમિ, વ્યારામાં 8 મિમિ, ગણદેવીમાં 8 મિમિ, બારડોલીમાં 7 મિમિ, ચોર્યાસીમાં 6 મિમિ, સુરત સિટીમાં 6 મિમિ, મહુવામાં 4 મિમિ, માંગરોળમાં 4 મિમિ, ઉમરગામમાં 3 મિમિ, કામરેજમાં 2 મિમિ અને ઉચ્છલ-ચીખલીમાં 1 મિમિ વરસાદ પડ્યો હતો.

પવન સાથે વરસાદ પડ્યો

જૂનની શરૂઆતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી જાય છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે જૂન પૂરો થવા આવ્યો માફકસર વરસાદ ન આવતા આકાશી ખેતી કરતા તાપી જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતા છવાઈ હતી. જોકે, જૂન માસના અંતમાં મેઘરાજાની પધરામણી થતા છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીમાંથી રહાત થઈ છે. ગત રોજથી દક્ષિણ ગુજરાતમાં સવારે કાળાડિબાંગ વાદળો છવાઈ જતા ભારે વરસાદના આગમનના અણસાર ઉભા થયા હતા. દરમિયાન ગત રોજ તાપી જિલ્લા ખાતે નિઝરમાં 4 કલાક દરમિયાન ભારે પવન સાથે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અને આજે પણ વહેલી સવારથી તાપી જિલ્લામાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

10 જેટલા વીજપોલ ધરાશાયી થયા

ગતરોજ તાપી જિલ્લામાં પડેલા પવન સાથે વરસાદના કારણે વેલ્દા ગામની સિમમાં જીઈબીના અંદાજે 10 જેટલા વીજપોલ ધરાશાયી થઈ ગયા હતાં. તેની સાથે જોડાઇયેલા બે ટ્રાન્સફર પણ નુકસાન થતા વીજ પ્રવાહ બંધ કરી દેવાયો હતો. તેમજ વેલ્દા ગામમાં મુખ્ય બજારમાં આવેલા એક તોતિંગ લીમડાનું ઝાડ જમીન દોસ્ત થતા લોકોમાં અફરાતફરી મચી હતી. આજે સોનગઢમાં 67 મિમિ સહિતના તાલુકાઓમાં હળવા ભારે ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે.