વલસાડ રેલવે સ્ટેશન દેશની આર્થિક રાજધાની મુંબઈને દેશની રાજધાની દિલ્હીને સાથે જોડતા રેલવે માર્ગે પર આવેલું છે.
Face Of Nation:22મી જૂનના રોજ રેલવે મંત્રી પીયૂષ ગોયલે પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરી હતી. આ ટ્વિટમાં તેમણે વલસાડ રેલવે સ્ટેશનની ચાર તસવીરો પોસ્ટ કરી હતી. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલની ટ્વિટ બાદ વલસાડ રેલવે સ્ટેશનની સુંદરતા ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા દેશના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. રેલવે મંત્રીના ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે વલસાડ રેલવે સ્ટેશનને સ્વચ્છની સાથે સાથે સુંદર પણ બનાવવામાં આવી રહ્યું છે. સાથે જ ઐતિહાસિક વારસો પણ જાળવવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રેલવે કે બસ સ્ટેશનની આસપાસ ગંદગી જોવા મળતી હોય છે તેમજ તેમના બિલ્ડિંગો ખખડધજ હાલતમાં જોવા મળતા હોય છે. જોકે, હવે તમામ એસટી બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનોને નવા રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત હાલ વલસાડ રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ ગઈ છે.
1925માં બાંધવામાં આવેલા વલસાડ રેલવે સ્ટેશનનું હાલ નવિનીકરણ ચાલી રહ્યું છે. વલસાડ રેલવે સ્ટેશનનું જે બિલ્ડિંગ હાલ હયાત છે તે બ્રિટિશકાળનું છે. આ બિલ્ડિંગનો હેરિટેઝ બિલ્ડિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગનું બાંધકામ બ્રિટિશ શૈલીમાં કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક વારસાને જાળવવાની સાથે સાથે તેને આકર્ષક અને આધુનિક સુવિધાસભર બનાવવામાં આવી રહ્યું છે.
વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, ટિકિટ કાઉન્ટર અને વેઇટિંગ રૂમમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. વલસાડ રેલવે સ્ટેશનના થઈ રહેલા કાયાપલટથી હાલ તો દરેક વલસાડવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.