રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ જવાબદારી નહીં સંભાળે
Face Of Nation:લાંબા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા ચર્ચાઓની વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ જવાબદારી નહીં સંભાળે. યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે વિનંતી કરી. સૂત્રો મુજબ, રાહુલે આવું કરવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને સ્પષ્ટ કહી દીધું છે કે હવે તેઓ કોંગ્રેસઆ અધ્યક્ષ તરીકે નથી રહેવા માંગતા. પાર્ટીને તેમનું રિપ્લેસમેન્ટ ટૂંક સમયમાં શોધવું પડશે.
મૂળે, રાહુલ ગાંધીએ નવા અધ્યક્ષ શોધવા માટે કોંગ્રેસને એક મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન તેઓ અધ્યક્ષ તરીકે રહેશે. આ એક મહિનાની અવધિ થોડા દિવસમાં જ પૂરી થઈ જશે. કોંગ્રેસે નવા અધ્યક્ષ માટે અનેક નામો પર વિચાર કર્યો, પરંતુ કોઈ નામ ફાઇનલ નથી થઈ રહ્યું. સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી નથી ઈચ્છતા કે રાહુલ ગાંધી પાર્ટીનું અધ્યક્ષ પદ છોડે, જેથી પાર્ટીના સીનિયર નેતા સતત રાહુલને સમજાવવાનો પ્રયાસમાં છે, પરંતુ રાહુલ ગાંધી પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચંડ લહેરમાં કોંગ્રેસ સહિત વિપક્ષનો સમગ્રપણે સફાયો થઈ ગયો. ભાજપ 303 સીટોની સાથે સત્તામાં ફરી વાર આવ્યું. જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉતરેલી કોંગ્રેસને જોરદાર હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ માત્ર 52 સીટો પર જ જીતી શકી. લોકસભા ચૂંટણીમાં કારમી હારને સ્વીકારતા રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.