Face Of Nation:વડોદરાઃ ડભોઇ પાસે ફરતીકૂઇની દર્શન હોટલમાં 7 સફાઇ કામદારોના મોતની ઘટનાની શ્યાહી હજુ સુકાઇ નથી. ત્યારે વડોદરા જિલ્લાના પાદરામાં ગટર સાફ કરવા ઉતરેલા એક હંગામી સફાઇ કામદારને ગેસ ગળતરની અસર થઇ હતી. સફાઇ કામદારને તુરંત જ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સફાઇ કામદાર યુનિયનના આગેવાનો હોસ્પિટલમાં પહોચી ગયા હતા અને પાલિકા દ્વારા સફાઇ કામદારોને સેફ્ટીના કોઇ સાધનો આપવામાં નહીં આવતા હોવાના આક્ષેપો કર્યાં હતાં. તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ વડોદરા શહેરની ડ્રેનેજ લાઇનોની સફાઇ માટે સફાઇ કામદારોને ન ઉતારવા અને મશીનનો ઉપયોગ કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યું હતું. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પાદરા સહિતની વડોદરા જિલ્લાની તમામ નગરપાલિકાઓ પણ કામદારોને ગટરમાં ન ઉતારીને મશીનથી જ ગટર સાફ કરવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સફાઇ કામદારને આઇસીયુમાં ખસેડાયો
પાદરા નગરપાલિકાની ગટર શાખામાં હંગામી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ બાબુભાઇ સહિત 4 સફાઇ કામદારો બુધવારે રાત્રે પાદરા સરદાર પટેલ શાક માર્કેટનાં ગેટ નં.3 પાસે આવેલા શૌચાલયની ગટરની સફાઇ કરવા માટે ગટર શાખાના અધિકારી મુકેશ પટેલની સૂચનાથી ગયા હતા અને સફાઇ માટે ઉતરેલા હંગામી સફાઈ કામદાર અશોકભાઈને ગેસ ગળતર થતાં તેમને ચક્કર આવતા બેભાન થઇ ગયા હતો. જેથી સાથી કામદારે તેમને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે પાદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સેફ્ટીના સાધનો પુરા પાડવાની માંગ
ડભોઈની ગોઝારી ઘટના બની હોવા છતાં પણ પાદરા નગરપાલિકાના ગટર વિભાગના અધિકારી સફાઈ સેવકોને સેફટીના સાધનો કેમ પર્યાપ્ત નહીં કરાવતા નથી. આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ સફાઇ કામદારના યુનિયનના આગેવાનોએ કરી હતી.