કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કર્યુ
Face of Nation:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કરી દીધું છે. તેઓએ સૌથી પહેલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેઓએ કહ્યું કે ડિસેમ્બર 2018માં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપશિ શાસન લાગ્યું હતું જે 2 જુલાઈ 2019ના રોજ પૂરું થઈ રહ્યું છે. ગૃહમંત્રીએ ગૃહને અનુરોધ કર્યો છે કે આ અવધિને 6 મહિના માટે લંબાવવામાં આવે.
અમિત શાહે ગૃહને જણાવ્યું કે રમઝાન અને અમરનાથ યાત્રા વચ્ચે આવવાના કારણે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી કરાવવામાં અસમર્થ છે. ચૂંટણી પંચે આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. અનેક દાયકાઓથી આ મહિનાઓમાં ચૂંટણી નથી નથી.
એવામાં જરૂરી છે કે 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપવામાં આવે. ગૃહમાં પોતાની વાત શરૂ કરતાં પહેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે આ ગૃહની સામે હું બે પ્રસ્તાવ લઈને ઉપસ્થિત થયો છું. એક જમ્મુ-કાશ્મીરમાં જે રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે તેને અવધિ વધારવાનો અને બીજો જમ્મુ-કાશ્મીરના બંધારણના સેક્શન 5 અને 9 હેઠળ જે અનામતની જોગવાઈ છે તેમાં પણ સંશોધન કરીને કેટલાક બીજા ક્ષેત્રોને જોડવામાં આવે.
લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો. તેની સાથે તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં રહેનારા લોકો ઘણા સમયથી અનામતની માંગ કરી રહ્યા હતા પરંતુ ચૂંટણી ફાયદો જોતાં હવે આ બિલને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રેમચંદ્રને કહ્યું કે હું આ બિલનો વિરોધ કરું છું. તેઓએ કહ્યું કે, લોકસભા ચૂંટણીની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કેમ ન યોજવામાં આવી.