શોર્ટ સર્કિટના સંખ્યાબંધ બનાવો, વીજ પુરવઠો ખોરવાયો
સ્ટેશન-અલકાપુરીને જોડતા ગરનાળામાં પાણી ભરાયા
શિનોર- 4 મિ.મી., ડભોઇ-10 મિ.મી., અને વાઘોડિયામાં 6 મિ.મી. વરસાદ પડ્યો
Face Of Nation:મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર ચાલુ છે ત્યારે વડોદરા શહેરમાં સવારે 4 કલાકમાં પ્રચંડ ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસેલા વરસાદને પગલે સમગ્ર શહેર જળબંબોળ થઇ ગયું હતું. ઠેર-ઠેર ભરાયેલા પાણીથી વહેલી સવારે સ્કૂલ તેમજ નોકરી-ધંધાર્થે નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં વાહનો પણ ઠપ થઇ ગયા હતા.
શહેર પાણી પાણી
આજે વહેલી સવારથી પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષ દ્વારા સવારે 6 થી 8 દરમિયાન 61 મિ.મી. અને 8 થી 10 દરમિયાન 10 મિ.મી. વરસાદ નોંધવામાં આવ્યો હતો. ચાર કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીથી તરબતર થઇ ગયું હતું.
કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન ફેઈલ
શહેરના મુખ્ય માર્ગો વાડી ગેડીંગેટ રોડ, એમ.જી. રોડ, પાણીગેટ દરવાજા, છીપવાડ, દાંડિયા બજાર, રાવપુરા, સ્ટેશન ગરનાળું, પ્રિયલક્ષ્મી ગરનાળું, કિશનવાડી રોડ, વી.આઇ.પી. રોડ, વાઘોડીયા રોડ પરિવાર ચાર રસ્તા, સુભાનપુરા, ગોત્રી, માંજલપુર, સહિતના મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત 4 કલાકમાં 71 મિ.મી. વરસાદ ખાબકતા કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીના દાવાની પોલ ખૂલી ગઇ હતી.
વરસાદને પગલે સ્કૂલોમાં બાળકોની પાંખી હાજરી
ભારે વરસાદને પગલે શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ઘરક થઇ ગઇ હતી. પ્રચંડ ગાજવીજ સાંભળીને ઉઠેલા લોકોને સોસાયટીમાં ભરાયેલા ઘૂંટણ સમા પાણીમાં બહાર નીકળવાની ફરજ પડી હતી. કેટલીક સોસાયટીમાં વહેલી સવારે બાળકોને લેવા માટે આવતી સ્કૂલવાન અને સ્કૂલો આવી શકી ન હતી. પરિણામે મોટા ભાગની સ્કૂલોમાં બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી.